વાડીએ લાઇટ કેમ નથી કહી દારૂનો નશો કરેલી હાલતમાં બે શખ્સોએ પીજીવીસીએલ કચેરીમાં બઘડાટી બોલાવી
પોલીસ પહોચે તે પહોંલાં એક ફરાર તબીબ નશો કરેલી હાલતમાં ઝડપાયો પણ કુવાડવા પોલીસે પ્રોહીબીશનનો કેસ કરવાનું ટાળ્યું
કુવાડવાની પીજીવીસીએલ કચેરીમાં લુખ્ખાઓને શરમાવે તેવું કૃત્ય કહેવાતા તબીબ અને તેના સાગરીતે આચરી છરી સાથે ઇજનેરને મારવાનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાયું છે. પોલીસે ઘટના સ્થળેથી જ તબીબને નશો કરેલી હાલતમાં ઝડપી લીધો છે. કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસ પહોચે તે પહેલાં કહેવાતા તબીબનો સાગરીત છરી સાથે ફરાર થઇ જતા તેની શોધખોળ હાથધરી છે.
શહેરના કાલાવડ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાછળ ટાગોરનગર શેરી નંબર ૩માં રહેતા અને કુવાડવા પીજીવીસીએલ સબ ડિવિઝનલ કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા આલાપભાઇ નૈષધભાઇ વોરાએ કુવાડવાના કહેવાતા તબીબ હિતેશ ઉર્ફે ડોકટર રજનીકાંત સોલંકી અને તેના સાગરીત થાનગઢના રાજુ કાઠી તેમજ એક અજાણ્યા શખ્સ સામે ફરજમાં રૂકાવટ કરી સરકારી મિલકતને નુકસાન કર્યાની તેમજ ખૂનની ધમકી દીધા અંગેની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કુવાડવા પંથકના કહેવાતા તબીબ હિતેશ ઉર્ફે ડોકટર સોલંકીની વાડીએ ગઇકાલે ભારે વરસાદના કારણે લાઇટ ન હોવાથી દા‚નો નશો કરેલી હાલતમાં રાજુ કાઠી અને એક અજાણ્યા શખ્સ સાથે છરી લઇને કુવાડવા ખાતે આવેલી પીજીવીસીએલની કચેરીએ ઘસી ગયા હતા. પરિસ્થિતી પામી નાયબ ઇજનેર આલાપ વોરા પોતાનો જીવ બચાવી કચેરીની અગાશી પર ચડી ગયા હતા અને કચેરીના અન્ય સ્ટાફે કહેવાતા તબીબને સમજાવવા અને શાંત પાડવા પ્રયાસ કર્યો તે દરમિયાન લુખ્ખાઓને શરમાવે તે પ્રકારે અપશબ્દ બોલી રાજુ કાઠીના નેફામાં રહેલી છરી કહેવાતા તબીબ હિતેશ ઉર્ફે ડોકટરે પોતાના હાથમાં લઇ ટેબલ પર મારી ભયનું વાતાવરણ સર્જી કાચ ફોડી નાખી સરકારી મિલકતને નુકસાન કયુ હતું.
લાંબો સમય સુધી ત્રણેય શખ્સોએ પીજીવીસીએલ કચેરીમાં બઘડાટી બોલાવતા હોવાથી કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. આર.પી.મેઘવાડ સહિતનો સ્ટાફ પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા તે દરમિયાન રાજુ કાઠી અને તેની સાથેનો અજાણ્યો શખ્સ ભાગી ગયા હતા અને દા‚ના નશામાં ધૂત બનેલા કહેવાતા તબીબ હિતેશ ઉર્ફે ડોકટર સોલંકીને પોલીસે ધરપકડ કરી કુવાડવા પોલીસ મથકે લઇ ગયા હતા. ત્યાં તેનો નશો ઉતરે તે રીતે આકરી પૂછપરછ કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા.
વીજકર્મીઓ ઉપર વધતાં જતાં હુમલાનાં બનાવ ડામવા કડક કાર્યવાહી જરૂરી: જીબીયા
જીઈબી એન્જીનીયર્સ એસોસીએશનનાં જનરલ સેક્રેટરી બિપીનભાઈ શાહે જણાવ્યું કે, પીજીવીસીએલનાં કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર હુમલાનાં બનાવો વધતા જઈ રહ્યા છે. અસામાજીક તત્વો ચેકિંગ, મેન્ટેનન્સ, મીટર રીડીંગ, ડિસકનેકશનની કામગીરી વેળાએ હુમલો કરતાં હોવાનાં અનેક બનાવો સામે આવ્યા છે. આવા બનાવોથી કર્મચારી કે અધિકારીઓનું મોરર ડાઉન થઈ જતું હોય છે ત્યારે વ્યકિતગત દ્વેશ ભાવ વગર નિષ્ઠાથી કામગીરી કરતાં કર્મચારી કે અધિકારી ઉપર હુમલો કરનાર સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. ગઈકાલે કુવાડવામાં પણ આ પ્રકારે જે ઘટના ઘટી હતી તે નિંદનીય છે જેમાં હુમલાનો પ્રયાસ કરનાર વ્યકિત સામે કડક પગલા લેવા જોઈએ. વીજ કંપનીમાં કામ કરતા કર્મચારી કે અધિકારીની સુરક્ષાની જવાબદારી મેનેજમેન્ટ અને સરકારની છે જો આ મામલે કોઈ નકકર પગલા લેવામાં નહીં આવે અને હુમલાનાં બનાવો વધતા જશે તો જીબીયાને નાછુટકે હડતાલ પણ પાડવાની ફરજ પડશે.
પોલીસે કહેવાતા વેગદાર’ તબીબ સામે દાખવ્યું કુણુ વલણ
કુવાડવા ખાતેની પીજીવીસીએલ કચેરીમાં દારૂના નશામાં કહેવાતા તબીબ હિતેશ સોલંકીએ ધારદાર છરી સાથે બઘડાટી બોલાવી આંતક મચાવ્યો હતો. આમ છતાં કુવાડવા પોલીસે હુમલો કરી ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધવાના બદલે હ્ળવી કલમની જોગવાઇ મુજબ ગુનો નોંધી સંતોષ માની વગદાર તબીબને છાવરવા પ્રયાસ કર્યાના આક્ષેપ થઇ રહ્યા છે. સરકારી કર્મચારી પર હુમલો અને ગેર કાયદે કચેરીમાં પ્રવેશ અંગેની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં પોલીસ ઉણી ઉતરી છે. એટલું જ નહી કહેવાતા તબીબ હિતેશ નશો કરેલો હોવા છતાં તેની સામે પ્રોહીબીશન મુજબની કાર્યવાહી કરી ન હોવાનું સામે આવ્યું છે.