રસ્તો બંધ થઇ જતાં ૮ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ૪૦૦ વાહનો રેસ્ક્યુ કરાયાં !!
ભારે હિમપ્રપાતને લીધે કુલ્લુ અને લાહૌલ સ્પીતિ જિલ્લાઓને જોડતી અટલ ટનલની આસપાસ બરફ જામી જવાને કારણે લગભગ ૪૦૦ જેટલા વાહનો અને ૨ હજાર જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. આ માટે ગુરુવારે મોડી રાત સુધી લગભગ ૮ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું.
લાહૌલ સ્પીતિ પોલીસના જણાવ્યા અનુસાર, હિમવર્ષાને કારણે ખીણમાં ફસાયેલા વાહનોને મનાલી તરફ મોકલવા માટે કુલ્લુ અને લાહૌલ સ્પીતિ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. મનાલી એટીઆર સાઉથ પોર્ટલ અને નોર્થ પોર્ટલે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને વાહનોનો રૂટ મનાલી તરફ વાળ્યો હતો.
લાહૌલના પોલીસ અધિક્ષક માનવ વર્માએ જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે દક્ષિણ પોર્ટલમાં હિમવર્ષા થઈ હતી અને લગભગ ૪ વાગ્યાની આસપાસ ૪૦૦ વાહનો ફસાઈ ગયા હતા, જેના કારણે લાહૌલ અને કુલ્લુ પોલીસે મળીને વાહનોને મનાલી તરફ લઈ જવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી, જે લગભગ ૮ ચાલી હતી.
નોંધપાત્ર રીતે ગુરુવારે આદિવાસી જિલ્લા લાહૌલ સ્પીતિ અને કુલ્લુની ઊંચી ટેકરીઓ પર હિમવર્ષા થઈ હતી. અટલ ટનલના ઉત્તર અને દક્ષિણ પોર્ટલ પર પણ હિમવર્ષા થઈ હતી જેના કારણે માર્ગ લપસણો બની ગયો હતો. કેટલાક વાહનો એકબીજા સાથે અથડાયા પણ હતા. વાહનોની લાંબી કતારો લાગી હતી. હજારો પ્રવાસીઓ પણ ફસાઈ ગયા હતા. પોલીસે આ વાહનોને મનાલી તરફ મોકલવાનો ઘણો પ્રયાસ કર્યો હતો.
લાહૌલના પોલીસ અધિક્ષક માનવ વર્માએ જણાવ્યું હતું કે, અટલ ટનલના દક્ષિણ પોર્ટલથી છેલ્લું વાહન સવારે લગભગ ૧ વાગ્યે મનાલી તરફ રવાના થયું હતું. આવી સ્થિતિમાં, ઘણા પ્રવાસીઓના વાહનો રાત્રે ૨:૩૦ પછી મનાલી પહોંચ્યા હતા. ૮ કલાકના લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ આશરે ૨ હજાર પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.