રાજકોટમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો ૪ ડિગ્રીથી વધુ પટકાયો

કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મંગળવારે હિમવર્ષાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉતરભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે જેને લઈ રાજ્યમાં ૨ દિવસ ઠંડીમાં આંશિક રાહત બાદ આજથી ફરી ઠંડીનો દોર શરૂ થયો છે અને રાજકોટમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો ૪ ડિગ્રી પટકાયો છે. જ્યારે નાલિયામાં પણ લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયુ છે. ઉપરાંત આજે વહેલી સવારે પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો અને લઘુત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય તાપમાન કરતા ૪ ડિગ્રી ઓછું નોંધાયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુરુવાર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ માં સામાન્ય વરસાદ વરસી શકે છે.

7537d2f3 5

આજે વહેલી સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૧.૮ અને મહતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા અને ૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. નલિયાનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને ૯ કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રી અને મહતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને ૫.૨ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયકલોનીક સર્ક્યુલેશનથી આજથી ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધે તેવી શકયતા છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા શરૂ થઈ છે જેને લઇ ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે બરફવર્ષા થઈ રહી છે. વીજળી સાથે વરસાદ પણ થયો હતો.આ ઉપરાંત સિમલા અને મનાલીમાં પણ ભારે હિમવર્ષાથી અનેક રસ્તાઓ બંધ થયા છે.રાજ્યભરના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કારીએ તો, અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૪.૮ ડિગ્રી, ડીસાનું ૧૨.૨ ડિગ્રી, વડોદરામાં ૧૪.૬ ડિગ્રી, સુરતમાં ૧૮.૧ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૮ ડિગ્રી, જૂનાગઢમાં ૧૨.૮ ડિગ્રી, ભાવનગરમાં ૧૫.૬ ડિગ્રી, પોરબંદરનું ૧૩.૯ ડિગ્રી, વેરાવળનું ૧૬.૫ ડિગ્રી, દ્વારકાનું ૧૪.૭ ડિગ્રી, ઓખાનું ૧૬.૬ ડિગ્રી, ભુજનું ૧૧.૪ ડિગ્રી, નલિયાનું ૧૦ ડીગ્રી, સુરેન્દ્રનગરનું ૧૩.૫ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૨.૫ ડિગ્રી, કંડલાનું ૧૨.૧ ડિગ્રી, અમરેલીનું ૧૪ ડિગ્રી, ગાંધીનગરનું ૧૪.૮ ડિગ્રી, મહુવાનું ૧૫.૧ ડિગ્રી, દિવનું ૧૬.૧ ડિગ્રી અને વલ્લભ વિધાનગરનું ૧૫.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.નોંધનીય છે કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન વાદળીયા વાતાવરણ વચ્ચે ઠંડીનો પારો ૨ થી ૩ ડિગ્રી ગગડવાની શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.