અબતક, સુરેન્દ્રનગરઃ
વર્ષોથી હિમાલયના બર્ફિલા પર્વતો પર હિમ માનવના પગલા દેખાયા હોવાની અનેક વખત ચર્ચા ઉઠી હતી પરંતુ ગુજરાતમાં વિચિત્ર પગલા દેખાયાની પ્રથમ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના રણ વિસ્તારમાં રહસ્યમય પગલા દેખાતા સમગ્ર વિસ્તારમાં કૌતુબ સર્જાયું છે. આ પગલા વચ્ચે 6 ફૂટનું અંતર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આટલા અંતરમાં પગલા પહેલીવાર જોવા મળ્યા છે. એટલું જ નહીં આવા રહસ્યમ પગલા એક-બે નહીં પરંતુ 300 જેટલા છે. કેટલાક પગલા વરસાદને કારણે ભૂસાવા લાગ્યા છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા પાટડી તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીંઠાધોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી પગલા મળી આવ્યા છે. આ પગલા વચ્ચે છ ફુટ જેટલું જોવા મળ્યું હતું. સામાન્ય રીતે માણસના પગલાઓ વચ્ચે દોઢ થી બે ફુટનું અંતર હોય છે, પરંતુ આ છ ફુટના અંતરના પગલાના નિશાન દેખાતાં કુતુહલ સર્જાયું છે. એટલું જ નહીં સ્થાનિક લોકોનું કહેવું છે કે વહેલી તકે આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
પાટડી તાલુકામાં આવેલા કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણમાં ઓડુ અને મીઠાધોડા ગામ વચ્ચે આવેલી સફેદ ક્ષાર યુક્ત જમીનમાં મહાકાય પગલા એક બે નહીં પરંતુ 300 જેટલા પગલાના નિશાન છે. આ રહસ્યમય માનવના ડાબા અને જમણા પગલાઓ વચ્ચે અંતર માપતા છ ફુટનું અંતર જોવા મળ્યું હતુ. આ પગલાની દિશા જોતા પુર્વ દિશા તરફથી આવેલા રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓળંગી અને રણ તરફ ગયો હોય તેવો અંદાજ છે.
આ સમગ્ર મામલે સ્થાનિકોનું માનવુ છે કે, જો કોઇ વ્યક્તિ કુદકા મારીને જાય તો પણ ત્રણસો જેટલા પગલા ન હોઇ શકે અને બન્ને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોય. હવે આ રાક્ષસી માણસના પગલા છે કે કોઇ મહાકાય પ્રાણીના છે, આ વિસ્તારમાં કોઇ પ્રાણી એટલું વિશાળ નથી કે તેના પગલા વચ્ચે 6 ફૂટનું અંતર હોઇ શકે. એટલું જ નહીં સ્થાનિકોમાં ચર્ચા છે કે બની શકે આ પગલા કોઇ પરગ્રહવાસીના પણ હોઇ શકે છે.
લોકોએ આ પગલાઓ ફરતે રાઉન્ડ કરી અને આ પગલાઓ ભુસાંય નહી તેની તકેદારી રાખી રહ્યા છે. પરંતુ હવે આ સ્થાનિક લોકોની પણ માંગ છે કે, તંત્ર આ બાબતે તપાસ આરંભી લોકોની કુતુહલતા વહેલી તકે દૂર કરે.
રણકાંઠા વિસ્તારમાં પવનના સૂસવાટા અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા રણમાં જોવા મળેલા આ રહસ્યમયી રાક્ષસી પગલા ભુંસાવા લાગ્યાં છે. વિદેશમાં આવી કોઇ અલૌકિક ઘટના બને છે તો તંત્ર તાકીદે સેટેલાઇટ થકી આ રહસ્યમય ઘટનાના મૂળ સુધી પહોંચી એનું નિદાન કરે છે. જ્યારે અહીં તો સ્થાનિક સરકારી તંત્રએ રણ વિસ્તારની એક મુલાકાત લેવાની તસ્દી હજુ સુધી લીધી નથી.