ઉતરાખંડના પ્રવાસે ગયેલા 40 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ: ગાંધીનગરથી એજ્યુકેશન ટિમ પણ હવે એકશનમાં, કડક તપાસના આદેશ આપ્યા
રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં શુક્રવારે કોરોનાના 7 કેસો નોંધાયા હતા, જેમાં એક 14 વર્ષીય સગીરાનો પણ સમાવેશ થાય છે. આ સગીરા જામનગર રોડ પર આવેલી એસએનકેની વાડી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમના પરિવારજનોનો ટેસ્ટ કરાયો હતો, પરંતુ આ સગીરા સ્કૂલના 40 વિદ્યાર્થીઓ સાથે ઉત્તરાખંડ પ્રવાસમાં ગઈ હોય અને હજુ બે દિવસ પહેલા જ રાજકોટ પરત ફરી હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. કોરોના જાણે હોય જ નહીં તેમ એસએનકેની વાડી સ્કૂલે શિસ્તના લીરા ઉદાળી નાખ્યા હોય અને વગર મંજૂરીએ પ્રવાસ ખેડતા 40 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી દીધા છે.
જે રીતે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને બીજીબાજુ હવે દરરોજના એકથી બે કેસ પણ સ્કૂલોમાથી આવતા હવે ખળભળાટ મચવા પામી ગયો છે. ત્યારે આવા કપરા સમયમાં રાજકોટની એસએનકેની વાડી સ્કૂલે પ્રવાસ ખેડતા કોરોના ગાઈડલાઈનના નિયમોના ધજાગરા કર્યા છે. હવે આ બધું જોતા ચોક્કસથી લાગી રહ્યું છે કે, આવી સ્કૂલો સામે કડક પગલાં લેવા તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના વોર્ડ નં.9માં આવેલા ભીડભંજન મેઈન રોડ પર રહેતી 14 વર્ષીય સગીરાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટ મનપાની આરોગ્ય ટીમ આ સગીરાના ઘરે દોડી ગઈ હતી અને તેમના પરિવારના 2 સભ્યો સહિત તેમના સંપર્કમાં આવેલ કુલ 16 સભ્યોના ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા. દરમિયાન પૂછપરછમાં સગીરાના પરિવારે માહિતી આપતા ધડાકો કર્યો હતો કે સગીરા સ્કૂલ પ્રવાસમાં ઉત્તરાખંડ ગઈ હતી અને બે દિવસ પહેલા એટલે કે તા.22ના રોજ પરત ફરી હતી. આ સ્કૂલ પ્રવાસમાં કુલ 40 જેટલા વિદ્યાર્થીઓ હતા. આ વાત સામે આવતા આરોગ્ય તંત્ર પણ હાંફળુંફાંફળુ થઈ ગયું હતું.
સૂત્રોએ જણાવ્યું કે આ વિદ્યાર્થિની પ્રવાસમાંથી પરત આવ્યા બાદ સ્કૂલે નથી ગઈ, પરંતુ તેમની સાથે પ્રવાસમાં 40 વિદ્યાર્થીઓ હતા એટલે એ તમામના ટેસ્ટ કરવાની ફરજ પડી શકે છે.
જિલ્લા આરોગ્ય ખાતું જ કોરોનાની “ઝપટે”
આ બનાવની જાણ થતા જ ‘અબતક’ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીનો સંપર્ક સાધ્યો હતો જો કે આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આવી કોઈ વાત હજુ સુધી સામે આવી નથી.
આવા ગંભીર મામલે પણ છેલ્લા 3 દિવસથી રાજકોટ જિલ્લા આરોગ્ય ખાતું ઊંઘતું જ ઝડપાયું છે. જાણે જિલ્લા આરોગ્ય ખાતું જ હવે કોરોનાની “ઝપટે” હોય તેમ આવા મોટા પ્રવાસની જાણ સુધા પણ નથી. ત્યારે હવે કોરોનામાં ફરી ઉછાળો ન આવે અને આવી કોઈ બાબત જ્યારે ધ્યાનમાં આવે તો તંત્રએ તાકીદે જ એક્શનમાં આવી જવાની માંગ ઉઠવા પામી છે.
હવે જિલ્લાનો ભાર પણ રાજકોટ કોર્પોરેશનના ખંભે: પુષ્કર પટેલ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એસએનકેની વાડી સ્કૂલનો પ્રવાસ ત્રણ દિવસ પહેલા એટલે કે 22 ડીસેમ્બરે ઉત્તરાખંડથી પરત આવ્યો હતો જેમાં 40 વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ લોકો પણ હતા.
40માંથી 1 વિદ્યાર્થીનીનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો. જો કે, હવે આ મામલે જિલ્લા આરોગ્ય ટીમ એક્શનમાં ન આવતા હવે મેં કમિશનર સાથે વાતચીત કરી કોર્પોરેશનની ટિમ હવે આ તમામ બાળકો અને સ્ટાફનો ટેસ્ટ કરશે.
એટલે હવે જિલ્લાની આરોગ્ય ટીમ જાણે ખુફ કોરોનાંની ઝપટે હોય માટે રાજકોટ કોર્પોરેશન ખુદ હવે જિલ્લામાં જઈ કામગીરી હાથ ધરશે.