પૃથ્વી પર 130 મીલીયન વર્ષોેથી એટલે કે ડાયનાસોર સમયથી સાપ જોવા મળે છે: દુનિયામાં 30 ફૂટનો પાયથોન રેટિક્યુલાટ્સ પ્રજાતિનો સાપ છે જ્યારે કિંગ કોબ્રા 18 ફૂટ લાંબો હોય છે
સર્પ દંશથી દર મહિને 8 હજાર લોકોના મૃત્યુ થાય છે: ઘણાં સાપો લાંબો સમય ભૂખ્યા રહી શકે છે: સાપ ખોરાકને ચાવતો નથી પણ સીધો ગળી જાય છે, આપણાં શાસ્ત્રોમાં શેષનાગનો વિશેષ સ્થાન આપ્યું છે
વિશ્ર્વમાં તેની 2500થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, આપણાં ભારતમાં પણ 300 થી વધુ પ્રજાતિઓ છે, જેમાં 50 ટકા ઝેરી સાપ છે, પૃથ્વી પર વસતા તમામ સાપો પૈકી 20 ટકા જાતિ ઝેરી હોય છે
આપણે નાના હતા ત્યારે મદારી ટોપલામાંથી ફેણ વાળો સાપ કાઢેને મોરલી વગાડતો અને નાગ તેની સામે ડોલવા લાગે. આપણે ઘણી શેરી-ગલ્લી કે બહાર ખુલ્લામાં જઇએ ત્યાં પણ આપણને જોવા મળે છે. નાગ-નાગણી વિશેની તરહ-તરહની વાતો માન્યતા-ભ્રામક લોકવાયકા પ્રચલિત છે. પૃથ્વી પરના બધા પ્રાણીઓની જેમ આ પગ વગરનું પ્રાણી છે પણ આપણાં સમાજમાં સૌથી વધુ ભ્રામક માન્યતાઓ એમની જોવા મળે છે. નાગ દૂધ પીવે, નાગ કે નાગણી બદલો લે, તે ઉડી આપણને કરડે, સંવનન કરતા હોય ત્યારે કપડું ઢાંકી દો તો પૈસાદાર થઇ જાવ, નાગ-નાગણીની પૂજા જેવી વિવિધ વાયકાઓ છે જે ભ્રામક કે તથ્ય વગરની છે.
આપણાં શાસ્ત્રોમાં શેષનાગને વિશેષ સ્થાન અપાયું છે. ભગવાન વિષ્ણુ તેના આસાન જમાવીને બેસી તેવી વાતો આપણે વાંચી કે સાંભળી છે. શેષ નાગને હજાર માથા હોય અને સ્વર્ણ પહાડ ઉપર રહે તેવી વાતો આવે છે. જો કે આ નાગ પુજા ઘણી પ્રાચીન મનાય છે. આદીકાળથી નાગને ભય અને અચંબાનું પ્રતિક ગણાય છે. નાગમાં પગ વગર દોડવાની શક્તિ સાથે તે જમીન અને પાણી બંનેમાં રહે છે.
નાગપૂજાની પ્રાચિનતા પર પ્રકાશ પાડતા પી.જે. દેવરસ લખે છે કે વેદોના સમય પહેલા દ્રવિડ સંસ્કૃતિમાં નાગપૂજા જાણીતી હતી. એનાથી રક્ષણ મેળવવા યજ્ઞો પણ થતાં હતા. આ વિશે લોક જીવનના મોતીમાં જોરાવરસિંહ જાદવે પણ ઘણો પ્રકાશ પાડીને વિવિધ વાતો રજૂ કરી છે. વેદ-ઉપનિષદ બાદ રચાયેલા પુરાણોમાં નાગની ઘણી રસપ્રદ વાતોને પ્રસંગો મળે છે. વાગભટ્ટે નાગની ત્રણ મુખ્ય જાતિમાં દર્વીકર, મંડલી અને રાજીમાન સાથે નાગની, અનંત, પદ્મ, શંખ, તક્ષક, વાસુકી અને કંબલ જેવી વિવિધ જાતોની વાત કરી છે.
મહાભારતના આદિપર્વ આસ્તિક પર્વમાં સાપોની કુલ 78 જાતો વર્ણવી છે. હાલના અભ્યાસ મુજબ વિશ્ર્વમાં 2500 થી વધુ પ્રજાતિઓ જે પૈકી 20 ટકા જ ઝેરી સાપ છે. આપણાં ભારતમાં પણ 300 થી વધુ પ્રજાતિઓના સાપ છે. જેમાંથી અળધો-અળધ એટલે 50 ટકા ઝેરી સાપ છે. દર વર્ષે એક લાખ લોકોના મૃત્યુ થાય છે. આજે પણ અંધશ્રદ્વાને કારણે સાપ કરડે ત્યારે ભૂવા, ભરાડી પાસે લોકો ઝેર ઉતરાવવા જાય છે.
ઇચ્છાધારી સાપની ભ્રામક લોકવાયકા બહુ જ જોવા મળે છે. ફિલ્મ જગતે પણ આ નાગના વિષય ઉપર ઘણી બધી ફિલ્મો બનાવી હતી જેમાં જૂની નાગીન અને નવી નાગીન ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. જેમાં સાપના બદલાની વાત કરવામાં આવી હતી. ભગવાન શિવજી નાગળામાં સદેવ નાગ હોય છે. ટી.વી., સિરીયલોમાં પણ આ વિષયને લઇને અનેક એપિસોડ બતાવાયા છે.
‘અપરાજિત પૃચ્છા’ ગ્રંથમાં 63 નાગકૂળો તો વેદકાલીન આર્યોને 80થી વધુ નાગજાતિની જાણ હતી. જ્યાં નાગની પૂજા થાય ત્યાં પથ્થરની નાગની મૂર્તિ પણ જોવા મળે છે. ઇ.સ.પૂર્વે પહેલા શતકના શિલ્પોમાં નાગની પૂજાના પ્રતિકો જોવા મળ્યા છે. કચ્છમાં હાલનો ભૂજીયો ડુંગરમાં ભૂજંગ દેવ નાગની પૂજા થાય છે, તેથી તેનું નામ ભૂજીયો ડુંગર પડ્યું છે. કેટલાક સાપ વિશે દૂધ પીવાની વાત કરે છે પરંતુ તે ખોટું છે ઉલ્ટાનું તે દૂધ પી લે તો ઘણીવાર મૃત્યું પણ થઇ જાય છે.
નાગ કોઇને પણ સંમોહિત કરી શકે છે એવી માન્યતા પણ ખોટી છે. એની પાસે એવી કોઇ શક્તિ જ નથી હોતી. જો કદાચ એવું હોત તો સંમોહિત કરીને ગમે તેને મોતને ઘાટ ઉતારી દેત. આવી જ વાત સાપના બદલા લેવાની છે કે તેની આંખમાં કેમેરો હોયને મારનારની છબી અંકિત થઇ જાય પછી તે બદલો લે પણ આ ખોટું છે, તે બદલો લેવાની બુધ્ધી જ ધરાવતો નથી. માણસના પગલાનો અવાજ કે અન્ય અવાજથી જ સચેત થઇ જાય છે.
બીજું સાપ 100 વર્ષ જીવે ને તેના માથા ઉપર મણી હોય છે. જેના હાથ નાગમણી આવે તે ન્યાલ થઇ જાય આવી બધી વાતો માત્ર કાલ્પનીક છે. તો વળી કેટલાક તો સાપ ઉપડવાની વાતો કરે છે, તે પણ ખોટી છે કારણ કે તેનામાં ઉડવાની ક્ષમતા જ નથી હોતી. અમુક સાપો ગુચડું વળીને દૂર સુધી ફંગોળાઇ કે એક ઝાડથી બીજા ઝાડ પર ઉછળીને જઇ શકે છે એ વાત સાચી છે. સાપ બીનનો અવાજ સાંભળીને તેના તરફ આકર્ષાય છે પરંતુ સાપ અવાજ સાંભળી શકતો નથી પણ બીન જે રીતે ડોલે તેના કંપ નથી તે પ્રભાવિત થઇને શિકાર સમજીને પકડવા ઇચ્છે છે કે ફેણ મારે છે.
વિશ્ર્વભરમાં ન્યુઝિલેન્ડ, આઇસલેન્ડ અને એન્ટાર્કટિકા એવા ત્રણ દેશો છે જ્યાં સાપનું અસ્તિત્વ જ નથી. એનાકોન્ડા ગ્રીન સૌથી લાંબો સાપ નથી પરંતુ વજનદાર છે જેનું વજન 550 પાઉન્ડ છે. દુનિયામાં બ્રાઝિલમાં આવેલ સાપ આઇલેન્ડએ સર્પનું સૌથી ગીચ સ્થળ છે. આ જગ્યાએ દરેક વર્ગ મીટરે-અંતરે પાંચ સાપ રહે છે, મતલબ કે તમારી પલંગ જેવડી જગ્યામાં દશ સાપ રહે છે એ પણ સૌથી વધુ ઝેરીલા સાપ.
તમામ પ્રાણીઓને તાલિમ આપીને શીખવી શકાય પણ નાગને તે નથી કરી શકાતું કારણ કે બીજા પ્રાણીની જેમ શિખવાની પ્રક્રિયા નિયંત્રિત કરી શકે એવી સિસ્ટમ જ નથી હોતી. કીંગ કોબરા સૌથી ઝેરીલો અને લાંબો સાપ છે જે 18 ફૂટ લાંબો હોય છે. તે એટલો બધો ઝેરી હોય છે કે ફક્ત 7 એમ.એલ. જથ્થામાં 20 માણસો અને એક હાથીને મારી શકે છે. 70 ટકા સાપ ઇંડા મૂકે છે ને બાકીના 30 ટકા બચ્ચાને સીધો જન્મ આપે છે. હવામાં ઉત્પન થતાં ધ્વનિ તરંગો તેની ઉપર કોઇ અસર થતી નથી તે સાપ પીપુડી વાગે એટલે આવે તે માત્ર ભ્રમ છે. દક્ષિણ આફ્રિકામાં મળેલ સાપ હોર્નડ વાઇપરના માથા પર બે નાના શીંગડા હોય છે. સાપ વર્ષમાં ઓછામાં ઓછી ત્રણવાર તેમની સંપૂર્ણ કાંચળી ઉતારે છે.
સર્પ વિશે જાણવા જેવું
- સાપનું અસ્તિત્વ પૃથ્વી ઉપર 130 મીલીયન વર્ષથી એટલે કે ડાયનાસોરના સમયથી છે.
- દુનિયામાં બધે સાપ જોવા મળે પણ તેને ઠંડુ વાતાવરણ ગમતું નથી.
- આફ્રિકામાં મળી આવતા ‘બ્લેક મામ્બા’ સૌથી ખતરનાક છે જેના ડંખથી 95 ટકા લોકો મોતને શરણે થાય છે.
- સાપ ક્યારેય ચાવતો જ નથી, સીધો જ ગળી જાય છે. જેમ કે દેડકા, ઉંદર, ગરોળી
- દુનિયામાં સૌથી લાંબો 30 ફૂટનો ‘પાયથોન રેટિક્યુલાટ્સ’ પ્રજાતિનો સાપ છે, જ્યારે કિંગ કોબ્રા 18 ફૂટ લાંબો હોય છે.
- સાપ તેના નાકથી નહી પરંતુ જીભથી સુંઘે છે.
- વિશ્ર્વમાં ન્યુઝિલેન્ડ, આઇસલેન્ડ અને એન્ટાર્કટિકામાં સાપનું અસ્તિત્વ જ નથી.
- સર્પદંશથી દર વર્ષેે એક લાખ લોકોના મૃત્યું થાય છે, એટલે કે દર માસે 8 હજાર થી વધુ લોકો મૃત્યું પામે છે.
- સાપ છંછેડ્યા વગર ડંખ મારતો નથી તેના ઉપર પગ પડવાથી મોટાભાગે ઘટના બને છે.
- વિશ્ર્વમાં અઢી હજાર થી વધુને ભારતમાં 300 થી વધુ પ્રજાતિના સાપો જોવા મળે છે. જે પૈકી 20 ટકા જ ઝેરી સાપ છે.
- ભારતમાં દર વર્ષે અઢી લાખ લોકોને સાપ કરડે છે જે પૈકી 50 હજાર લોકો માર્યા જાય છે.
- પાણીમાં રહેતો સાપ પણ તેમની ત્વચાની માત્રા થોડો શ્ર્વાસ લઇ શકે છે તેને પાણીની જરૂર નથી રહેતી તે શિકારમાંથી જ પાણી મેળવી લે છે. ઘણાં સાપ મહિનાઓ સુધી ભૂખ્યા રહી શકે છે.