અબતક’ના મોંઘેરા મહેમાન બન્યા ચિરાગ પટેલ
હાર્દિક પટેલ સાથે પાટીદારોને અનામત અપાવવાના આંદોલનનો પાંચ-સાતે લાભ ખાટયો હોવાનો ભાજપ નેતાનો આક્ષેપ: સમાજના ઉત્કર્ષ માટે ચાલેલા આંદોલનનું કોંગ્રેસીકરણ કરનારાઓ પર ચિરાગ પટેલના પ્રહારો
‘સરદાર’ની વિચારધારા સાથે છેડેલું આંદોલન પક્ષમાં પરિવર્તિત થતાં વિખેરાયો ‘પાટીદારોનો મધપુડો’: ‘ડ્રાઈવરને જ રસ્તાની સુઝ ન હોય ત્યારે એકિસડેન્ટ’ થયાનો ચિરાગ પટેલનો મત: દેશને હજુ મજબુત અને પરીપકવ નેતાની જરૂર હોવાનું જણાવતા ચિરાગ પટેલ
પાટીદાર સમાજનાં સંગઠન અને ઉત્કર્ષ માટે તેમજ અનામતનો લાભ મળે તે માટે ચાલેલા આંદોલનમાં વ્યકિતલક્ષી સ્વાર્થ અને ઈગોનો પ્રવેશ થતાં અનામતની ‘જાળ’ સંકેલાઈ ગઈ હોવાનું ‘અબતક’ના મહેમાન બનેલાં પાસનાં પૂર્વ અને ભાજપ અગ્રણી નેતા ચિરાગભાઈ પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
વધુમાં આ અનામત આંદોલન થકી પાંચ-સાત રાજકીય વ્યકિતઓએ લાભ ઉઠાવ્યો હોવાનું જણાવ્યું હતું. આજથી ત્રણ વર્ષ પહેલા અનામત આંદોલન તેમજ સમાજને એક યુવા નેતા આપવાની નેમ સાથે હાર્દિક પટેલને આગળ કરાયા હતા. ત્યારબાદ અનામતની માંગ માટે અનેક સભાઓ, કાર્યક્રમો થકી સમાજને સંગઠિત કરાયો હતો જેના પડઘા સરકારમાં પડતા માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ દરેક સમાજને અનામતનો લાભ મળે તે રીતનો નિર્ણય કર્યો હતો. સરકારે કરેલા ઉકેલમાં પાટીદારનો આ મુદ્દો પણ સફળ રહ્યો.
ચિરાગ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આંદોલન બાદ સમાજમાં દેશને, ગુજરાતને એક યુવા નેતા મળ્યાની આશ જાગી હતી પરંતુ સરદાર પટેલની વિચારધારા સાથે છેડાયેલું આંદોલન પક્ષમાં પરિવર્તિત થતાં ‘પાટીદારોનો મધપુડો’ થોડે ઘણે અંશે વિખાયો છે. આંદોલનના ઘણા ખરા લોકો કોંગ્રેસમાં જોડાયા તો ઘણા ભાજપમાં જોડાયા અને સમાજને યોગ્ય નેતાગીરી પુરી ન પાડી શકયા. આ ઉપરાંત જયારે કોઈ ડ્રાઈવરને જ રસ્તાની ખબર ન હોય ત્યારે તેનું ચોકકસપણે એકિસડેન્ટ થાય છે તેવી જ બાબત આ આંદોલનમાં બની છે.
દેશના હિતમાં આવનારા ચુંટણીના પરીણામો અંગે પોતાનો મત આપતા જણાવ્યું હતું કે, દેશનો માત્ર પાંચ વર્ષમાં ધરખમ સુધારો શકય નથી. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હજુ પણ વધુ સમય આપવો જોઈએ. ૫૫ વર્ષ સુધી દેશમાં એક જ પરીવારે સામ્રાજય જમાવ્યા બાદ ખરેખર હવે દેશ બહાર નિકળ્યો છે. દેશહિતના નિર્ણયો લેવા માટે હજુ રાષ્ટ્રને મજબુત નેતા અને પરીપકવ નેતૃત્વની જરૂર છે. લોકો ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીનું વડાપ્રધાનનું શાસન જોઈને મત આપશે. અંતમાં ચિરાગભાઈ પટેલે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં સ્પષ્ટ બહુમતીથી સરકારને ચુટી વિકાસલક્ષી શાસન લાવવું જોઈએ.