રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રોમાંચક તબકકામાં: અંતિમ વિકેટ માટે જયદેવ ઉનડકટ અને સાકરીયા વચ્ચે ૬૦ રનની મહત્વપૂર્ણ ભાગીદારી: સૌરાષ્ટ્રના પુછડીયા બેટ્સમેનોએ રંગ રાખ્યો: હવે બોલરો પર મદાર
નાગપુર ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રોમાંચક તબકકામાં પહોંચી ગઈ છે. ઓપનર સ્નેલ પટેલની લડાયક સદીની મદદથી સૌરાષ્ટ્રે વિદર્ભની ટીમને બરાબરની ફાઈટ આપી છે. જો કે, સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ ૩૦૭ રનમાં સમેટાઈ જતા વિદર્ભને માત્ર ૫ રનની લીડ પ્રાપ્ત થઈ છે. અંતિમ વિકેટ માટે સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટ અને સાકરીયા વચ્ચે ૬૦ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. સૌરાષ્ટ્રના પુછડીયા બેટ્સમેનોએ રંગ રાખ્યો છે. હવે બોલરો પર મદાર છે. મેચના હજુ બે દિવસ બાકી હોય પરિણામ નિશ્ચીત માનવામાં આવી રહ્યું છે.
ગત રવિવારથી નાગપુર ખાતે શરૂ થયેલી રણજી ટ્રોફીની ફાઈનલમાં મેચમાં વિદર્ભના સુકાનીએ ટોચ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિદર્ભની ટીમે પ્રથમ દાવમાં ૩૧૨ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રની શરૂઆત ખુબજ નબળી રહી હતી. સ્કોર બોર્ડ પર માત્ર ૧૩૧ રન નોંધાયા હતા. ત્યાં સૌરાષ્ટ્રે પોતાની ૫ મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી. બીજા દિવસની રમતના અંગે સૌરાષ્ટ્રની ટીમનો સ્કોર ૫ વિકેટના ભોગે ૧૫૮ રન હતો.
આજે આ સ્કોરેથી સૌરાષ્ટ્રના બેટ્સમેનોએ રમત આગળ ધપાવી હતી. વિદર્ભના બોલરોનો સમકમતાથી સામનો કરી સ્નેલ પટેલે આજે લડાયક સદી ફટકારી હતી. જો કે તે ૧૦૨ રનના વ્યક્તિગત સ્કોરે યાદવની બોલીંગમાં વિકેટ કીપર વાડકરના હાથે ઝીલાઈ ગયો હતો. સૌરાષ્ટ્રની સાત વિકેટો માત્ર ૧૮૪ રનમાં ધરાશાયી થયા બાદ એવું લાગી રહ્યું હતું કે, વિદર્ભની ટીમને પ્રથમ દાવના આધારે મોટી લીડ મળશે જો કે પુછડીયા બેટ્સમેનોએ રંગ રાખ્યો હતો. ૮મી વિકેટ માટે ૩૮ રનની ભાગીદારી, ૯મી વિકેટ માટે ૨૫ રનની ભાગીદારી જયારે ૧૦મી એટલે કે, અંતિમ વિકેટ માટે ૬૦ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. જયદેવ ઉનડકટે ૪૬ રન ફટકાર્યા હતા. સૌરાષ્ટ્રની પુરી ટીમ ૧૧૭ ઓવરમાં ૩૦૭ રને ઓલઆઉટ થઈ જતા વિદર્ભને ૫ રનની લીડ મળી છે.
રણજી ટ્રોફિ ફાઈનલ મેચ હવે રોમાંચક તબકકમાં પહોંચી ગયો છે. પુછડીયા બેટ્સમેનોની લડતના કારણે સૌરાષ્ટ્રે સન્માનજનક સ્કોર પર પહોંચ્યું છે હવે બોલરો પર સંપૂર્ણ મદાર છે. જો બોલરો રંગ રાખશે અને વિદર્ભની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઈ જશે તો સૌરાષ્ટ્ર પાસે પ્રથમ વખત રણજી ટ્રોફિ જીતવાની ઐતિહાસિક તક રહેશે. જો મેચ ડ્રોમાં પરિણમશે તો પ્રથમ દાવની લીડના આધારે વિદર્ભની ટીમને રણજી ટ્રોફિ ચેમ્પીયન જાહેર કરી દેવામાં આવશે. મેચના હજુ બે દિવસ બાકી હોય ભારે રોમાંચકતા જોવા મળી રહી છે.