- ગોદડા નીચે રાખેલી ચાવી વડે કબાટ ખોલી ચોરીને અંજામ આપનાર જાણભેદું ગઠિયો પોલીસના સકંજામાં
શહેરના મવડી વિસ્તારના અમરનગર સ્થિત રહેણાંક મકાનમાં ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. તસ્કર ગોદળા નીચે રાખેલી કબાટની ચાવી મેળવી કબાટ ખોલી તિજોરીમાંથી રૂ. 1.75 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગયાનો મામલો માલવિયાનગર પોલીસના ચોપડે નોંધાયો છે. મામલામાં પોલીસે ગઠિયો કોઈ જાણભેદું જ હોય તેવી આશંકાએ તપાસ શરૂ કરી એક શખ્સને સકંજામાં લઇ લીધો છે.
શહેરના મવડી વિસ્તારમાં આવેલ અમરનગર-1 માં રહેતા ચાના ધંધાર્થી જતીનભાઈ રમેશભાઈ ઓળકીયા (ઉ.વ.30)એ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ગોંડલ રોડ વૈદવાડી-1 ખાતે ચામુંડા ટી-સ્ટોલ નામની ચાની હોટલ ધરાવી ચાનો વેપાર કરૂ છુ. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમારા ઘરમા બેડરૂમમાં આવેલ લોખંડના કબાટની ચાવી અમે બહાર જઈએ ત્યારે બેડરૂમમા ગોદડાની નીચે રાખીએ છીએ.ગઇ તા.08/04/2025 ની રાત્રે અમારા ઘરે ચામુંડા માતાજી તથા મહાકાળી માતાજીનો માંડવો હતો જેથી અમારા ઘરે મહેમાનોની અવર-જવર ચાલુ હોય ઘરના દરવાજા ખુલ્લા હતા. રાત્રીના આશરે 12 વાગ્યે અમારા ઘરમાં બેડરૂમમાં અંદર રહેલ લોખંડનો કબાટ યથાસ્થિતિમા જોયેલ હતો. જે બાદ રાત્રીના 12:55 વાગ્યે પત્નિ સોનલનો કોલ આવેલ કે, આપણા ઘરમા કબાટનો દરવાજો ખુલ્લો છે અને ઘરમા બધુ વેર વિખેર પડ્યુ છે, તમો જલ્દી ઘરે આવો. જેથી હુ તરત જ અમારા ઘરે ગયેલ હતો. જ્યાં જઈને જોતા લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો હતો અને કબાટની તિજોરીના ખાનામાં જોતા સામાન વેરવિખેર પડેલ હતો. તિજોરી કોઇએ બળ પ્રયોગથી ખોલેલ હોય તેવુ લાગ્યું હતું. જે બાદ તીજોરીમાં રાખેલ એક જોડ નાની સોનાની બુટી વજન 5.820 ગ્રામ જેની કીંમત રૂ.48000, એક મોટી સોનાની બુટી વજન 13 ગ્રામ જેની કીંમત આશરે રૂ.1 લાખ, રુદ્રાક્ષનો સોનાનો પારો વજન 600 મીલીગ્રામ કીંમત આશરે રૂ. 7 હજાર ), સોનાનો દાણો વજન 320 મીલીગ્રામ કીંમત રૂ.3 હજાર, સોનાનું પેન્ડલ વજન 500 મીલીગ્રામ કીંમત રૂ.5 હજાર, બે જોડી સોનાની બાલી વજન 500 મીલીગ્રામ કીમત આશરે રૂ. 35 હજાર, ચાંદીની લક્કી વજન 16 ગ્રામ કીંમત આશરે રૂ.1600, ચાંદી નું નારીયળ વજન 30 ગ્રામ કીંમત આશરે રૂ.2500, ચાંદીનો સીક્કો વજન 10 ગ્રામ કીંમત આશરે રૂ.1200 એમ આશરે કુલ કીમત રૂ. 1,73,300ના સોના-ચાંદીના ઘરેણા તથા રૂ. 2 હજારની રોકડ એમ મળી કુલ રૂ. 1,75,309ની મતા મળી આવી ન હતી. જે બાદ ચાના ધંધાર્થીએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમે ગુનો નોંધી અલગ અલગ શકમંદોની પૂછપરછ શરૂ કરતા તસ્કરની ભાળ મળી જતાં પોલીસે તસ્કરને સકંજામાં લઇ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.