બંધ કારખાના અને વાડીને નીશાન બનાવી ભંગારની ચોરી કરતા ચાર શખ્સોની ધરપકડ : બે રીક્ષા મળી રૂા.૨ લાખનો મુદામાલ એલસીબીએ કબ્જે કર્યો
રાજકોટ ગ્રામ્ય પંથકને ધમરોળતી તસ્કર ટોળકીના ૪ સભ્યોને એલસીબીના સ્ટાફે ઝડપી લઈ ૨૪ ગુનાનો ભેદ ઉકેલી બે રીક્ષા મળી રૂા.૨ લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં વધતા જતા આર્થીક ગુનાને અટકાવવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઈ. એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રીક્ષામાં ચોરાઉ મુદામાલ વેચવા જતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે રીક્ષાને અટકાવી પુછપરછ કરતા તે ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતો વિજય ઉર્ફે પીન્ટુ કાંતિ દેવીપૂજક, અનિલ જયંતિ સોલંકી, વિનોદ રમેશ રાઠોડ અને હિતેષ ભનુ રાઠોડ નામના શખ્સો હોવાનુ જણાવતા પોલીસે મુદામાલ વિષે આકરી પુછપરછ કરતા તેઓએ બંધ કારખાનાને અને વાડી વિસ્તારમાં ચોરી કરી હોવાની કબુલાત આપતા તેણે ગોંડલ, જેતપુર અને ધોરાજી પંથક સહિત ૨૪ સ્થળોએ હાથફેરો કર્યો હતો. જેમાં કોપરનાં વાયર, બેટરી, લોખંડનો ભંગાર, પ્લાસ્ટીકના ખીલ્લા, મોબાઈલ અને બે છકડો રીક્ષા મળી રૂા.૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવમાં પોલીસે ઉપરોકત ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેમજ ઝડપાયેલા આરોપીને મોડસ ઓપરેન્ટી રાત્રીના સમયે રીક્ષા લઈ વાડીમાં અને બંધ કારખાનામાં પ્રવેશ કરી ઈલેકટ્રીક વાયરો, બેટરી, મોટર અને લોખંડની ચોરી કરતા હોવાનુ જણાવ્યુ હતુ. આ કામગીરી પીએસઆઈ એચ.એ.જાડેજા તેમજ સ્ટાફમાં પ્રભાત બાલાસરા, મહીપાલસિંહ ઝાલા, મહેશભાઈ જાની, બ્રિજરાજસિંહ ઝાલા, રવિભાઈ બારડ, જયેન્દ્રસિંહ વાઘેલા અને પરાક્રમસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.