- ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના નિતેશ ખરાડીની રૂ. 78,700ની રોકડ કબ્જે કરી : રમેશ નિનામાની શોધખોળ
શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલી મનાલી ટેક્સટાઇલ પેઢીમાંથી રૂ. 13.62 લાખની માતા ઉઠાવી જનાર તસ્કરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. અગાસીના દરવાજાનો નકુચો તોડી પૈકી રાજસ્થાનના નિતેશ શાંતિલાલ ખરાડીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી રૂ.78,700 ની રોકડ કબજે કરવામાં આવી છે જ્યારે તસ્કર ટોળકીના રામેશ્વર ઉર્ફે રમેશ નાથુ નીનામાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બનાવ પર નજર કરવામાં આવે તો શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગિરિરાજ હોસ્પિટલની પાછળ રહેતા વેપારી શશીકાંન્તભાઇ ગોપાલભાઈ રાયઠઠ્ઠા(ઉ.વ.64)એ એ-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ જણાવ્યુ હતું કે, તેઓ દિવાનપરા મેઇન રોડ પર મનાલી ટેકસટાઇલ નામની દુકાન ધરાવી 14 વર્ષથી સાડીનો હોલસેલનો વેપાર કરે છે. ગત તા. 08/03/2025 ના રાત્રીના તેઓ દુકાન બંધ કરીને ગયા બાદ બીજા દિવસે સવારે રાબેતા મુજબ દુકાને પરત ફરતા દુકાનના કાઉન્ટરનું ત્રીજુ ડ્રોઅરનો લોક તુટેલી હાલતમાં અને ખાનુ ખુલેલ હાલતમા જોવામાં આવેલ હતું. આ ડ્રોઅરમા આશરે રોકડા રૂ. 4,50,000 કે જે વેપારના આવેલ હતા તે રાખેલ હતા જે મળી આવ્યા ન હતા. ડ્રોઅરમા શ્રીનાથજી ભગવાનના બે સોનાના પેન્ડલ એક પેન્ડલ આશરે એક ગ્રામનો એમ બે ગ્રામ વજનના બે સોનાના પેન્ડલ જેની કિંમત આશરે રૂ. 8 હજારની ગણાય તે પણ જોવામા આવેલ નહી. તેમજ કાઉન્ટરની પાછળના ભાગે લાકડાનો કબાટ ખુલ્લો જોવામાં આવેલ હતો. જે કબાટના ચોર ખાનામાં રાખેલા રોકડા રૂ. 9 લાખ તેમજ દશ રૂપીયાના સિકકા આશરે રૂ. 4 હજાર પણ મળી આવેલ ન હતા.
મામલામાં દુકાનમા રહેલ સી.સી.ટી.વી.ફુટેજ ચેક કરતા તા. 09/03/2025 ના રાત્રીના 01/42 વાગ્યે બે અજાણ્યા શખ્સોં અગાસીમાથી દુકાનમા પ્રવેશી ચોરીને અંજામ આપી અગાસી મારફતે નાસી જતાં દેખાઈ આવ્યા હતા. જે બાદ અગાસીનો દરવાજો જોતા તેનો નકુચો તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો.
જે બનાવ અનુસંધાને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી બી બસીયાની સૂચના હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વનરાજસિંહ ડોડીયા, હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, રાજેશભાઈ જળું અને વિશાલભાઈ દવેને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી નિતેશ શાંતિલાલ ખરાડી (ઉ.વ.23 રહે ફતેપુરા ગામ, તા. જી.બાસવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી તેના કબજામાંથી રોકડ રૂ. 78,700 કબજે કરવામાં આવ્યા હતા. તસ્કરની પૂછપરછ કરતા તેણે રામેશ્વર ઉર્ફે રમેશ નાથુ નીનામા (રહે મલવાસા ગામ, તા. જી. બાસવાડા, રાજસ્થાન)સાથે મળી આ ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે નિતેશ ખરાડી અને રામેશ્વર નીનામા વિરુદ્ધ રાજસ્થાનમાં અગાઉ અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ પી આઈ એમ આર ગોંડલીયા, એમ.એલ ડામોર અને સીએચ જાદવ તેમજ પીએસઆઇ વનરાજસિંહ ડોડીયા, હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, દીપકભાઈ ચૌહાણ, સંજયભાઈ રૂપાપરા, મયુરભાઈ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, રાજેશભાઈ જળું, કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા અને વિશાલભાઈ દવે રોકાયા હતા.