- જોડિયામાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ.1.32 લાખની માલમતા ઉઠાવી લેતા તસ્કરો
- પોલીસ મથકમાં નોંધાવાઈ ફરિયાદ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવના ગામમાં રહેતા યુવાનનું ઘર માત્ર 6 કલાક માટે બંધ રહેતા મકાનને ધોળે દહાડે તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું અને અંદરથી રૂપિયા 1.32 લાખની માલમતાની ચોરી કરી હતી. તેમજ ચોરી થવાની ફરિયાદ જોડીયા પોલીસ મથકમાં નોંધાવાય હતી. ત્યારે ખેડૂત દંપતિ માતાજીના દર્શને ગયા હતા, જે દરમિયાન પાછળથી હાથ ફેરો કર્યો હતો.
ચોરીના આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના માવના ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દયાળજી રામપરિયા કે જેઓ ગત 15મી તારીખે સવારે 11.00 વાગે પોતાના પત્ની સાથે મકાનને તાળું મારીને બાલંબા ગામે આવેલા પોતાના માતાજીના દર્શનાર્થે ગયા હતા, તેમજ ત્યારબાદ હનુમાનજીના મંદિર ગયા હતા, અને દર્શન કરીને સાંજે 5.00 વાગ્યે પરત ફર્યા હતા. ત્યારે તે દરમિયાન તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું, અને મકાન ખુલ્લું હતું.
આ દરમીયાન અંદર જઈને નિરીક્ષણ કરતાં મકાનની ઘરવખરી તથા કબાટ સહિતનો સામાન વેર વીખેર પડ્યો હતો. ત્યારબાદ નિરીક્ષણ કરતાં તેઓએ રાખેલી રૂપિયા 8,100ની રોકડ રકડ અને સોના અને ચાંદીની ઝાંઝરી સહિત દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
તેથી તેમણે સુરતમાં રહેતા પોતાના પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ ગઈકાલે તેઓએ જોડિયા પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી એકલાખ બત્રિસ હજારની માલમતાની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસ બનાવવાના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.