- મકાનના ઉપરના માળે સૂતેલા મહિલાની નિંદરમાં ખલેલ પહોચાડયા વગર તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને મોબાઇલની ચોરી
- પુત્રીના લગ્ન કરવા ગયેલા પરિવારના બંધ મકાનમાંથી સોના-ચાંદીની ધરેણા ચોરાયા
- બહેનના ઘરે પ્રસંગમાં ગયેલા દંપતીના મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ
શહેરના તસ્કરોનું રોજ હોય તેમ ચોરી રોજ-બરોજની ઘટના બની ગઇ છે. શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર ઇમિટેશન માર્કેટની દુકાનમાં 9.50 લાખની અને આજી જીઆઇડીસી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ. 10 લાખની ચોરીનો ભેદ અંકબંધ છે.
ત્યારે શહેરના રેલનગર વિસ્તારના અવધ પાર્ક શેરી નં.1 માં અને શેરી નં. 3 ના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના ધરેણા ચોરી ગયાની ઘટના પ્રકાશમાં આવ્યું છે.
આ ઘટનાની જાણ પ્ર.નગર પોલીસ મથક અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફ ડોગ સ્કોડ સાથે દોડી જઇ સીસી ટીવી કુટેજના આધારે તસ્કરોનું પગેરુ દબાવ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રેલનગર સંતોષીનગર મેઇન રોડ પર અવધ પાર્ક શેરી નં.3 માં રહેતા રાજુભાઇ દુદાભાઇ વાઘેલા નામના પ્રૌઢના મકાનમાં અજાણ્યા શખ્સોએ તાળા તોડી તિજોરીમાં પડેલા આશરે 1પ તોલા સોના અને ચાંદીના ધરેણાની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં રાજુભાઇ વાઘેલાની ત્રીજા નંબરની પુત્રી વર્ષાબેનના લગ્ન હોવાથી પરિવાર સાથે વતન જુનાગઢ જિલ્લાના સતાધાર નજીક મોટી મોણપરી ગામે ગત તા.31 જાન્યુ.એ ગયા હતા. ગતકાલે તા.પ ના રોજ પુત્રી વર્ષાબેનની જાનની વિદાય આપી પરિવારજનો બેઠા હતા ત્યારે પાડોશીનો ફોન આવ્યો અને તમારા મકાનના તાળા તૂટયા છે. ત્યારે પરિવારજનો પર જાણે આભ ફાટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનો દોડી આવ્યા હતા. મકાનમાં તપાસ કરતા તિજોરીમાં રાખેલા માતા, પુત્રી અને પિતાના સોનાના ધરેણા તેમજ કોરોનામા નાના નાનીના મોત થયા હોવાથી મામાએ તેમના સાચવવા આપેલા ધરેણા પર તસ્કરો લઇ ગયા ગયાનું જણાવ્યું હતું.
જયારે રાજુભાઇ વાઘેલાના મકાનની સામે રહેતા અને એ.જી. ઓફીસમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા રજની પરમારના પરસાણા નગરમાં રહેતા બહેનને ત્યાં પ્રસંગમાં ગયા ત્યારે તેમના મકાનના તાળા તૂટયાની જાણ થતાં પરિવારજનો લગ્ન પ્રસંગ છોડીને આવીને ઘરમાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ મકાનમાંથી કાંઇ ચોરાયું નુ માલુમ પડતા નથી પરંતુ તિજોરી સહીતની વસ્તુની તપાસ કર્યા બાદ વધારે ખ્યાલ આવશે.
આ ઉપરાંત અવધ પાર્ક શેરી નં.1 માં રહેતા હંસાબેન વિક્રમભાઇ વાઘેલા પરિવાર સાથે મકાનના ઉપરના માળે સુતા હતા ત્યારે તસ્કરોએ નિંદ્રામાં ખલેલ પહોચાડવા વગર તિજોરીના તાળા તોડી સોના-ચાંદીના ધરેણા અને મોબાઇલ ચોરી કરી તસ્કરો રૂમ બંધ કરી પલાયન થયા હતા. સવારે હંસાબેન ઉઠયા ત્યારે દરવાજો ખુલ્યો નહી આથી પાડોશીને કહી દરવાજો ખોલાવીને તપાસ કરતા ચોરી થયાની જાણ થતાં તુરંત પોલીસને જાણ કરી હતી
આ બનાવની જાણ પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. મેહુલ ગોંડલીયા અને ક્રાઇમ બ્રાચના સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આસપાસના સીસી ટીવીના આધારે તસ્કરોનું પગેરુ દબાવ્યું છે. ચોરીની ઘટનામાં જાણભેદુ હોવાની શંકાએ તપાસનો દોર ચાલી રહ્યો છે. પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે ફરીયાદ નોધવા તજવીજ હાથ ધરી છે.