અબતક, દર્શન જોશી
જુનાગઢ
જુનાગઢમાં એમ.જી. રોડ પર આવેલા ફોનવાલા મોબાઇલ શો-રૂમમાંથી તસ્કરોએ 49 મોબાઇલ સહિત કુલ રૂ. 14.97 લાખના મતાનો હાથ ફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે સીસી ટીવીના આધારે ચાદરધારી ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં પણ દિવાળી પર ફોનવાલા મોબાઇલ શો-રૂમમાં થયેલ ચોરીનો ભેલ હજુ ઉકેલાયો નથી ત્યાં જુનાગઢમાં પણ ફોનવાલા શો-રૂમને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો હતો.
30 જૂનાગઢમાં 4 શખ્સોએ મોબાઇલની દુકાનમાંથી માત્ર 24 મિનિટમાં જ 49 મોબાઇલ, એસેસરીઝ અને રૂ. 80 હજાર રોકડા મળી કુલ રૂ 14.97 લાખનો મુદ્દામાલ ચોરી કરી લઈ જતા, શહેરમાં સનસની મચી જવા પામી છે, બીજી બાજુ જુનાગઢ પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ બાબતે તપાસ આદરી તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
જૂનાગઢ શહેરના એમ.જી રોડ ઉપર આવેલ ફોન વાલા નામની દુકાનમાં સોમવારની વહેલી સવારના 5:21 થી લઈને 5:55 સુધીમાં ચાર અજાણ્યા શખ્સોએ દુકાનનું શટર ઉંચા કરી, તેમાંના એક શખ્સે દુકાનમાં પ્રવેશ કરી, દુકાનમાં રહેલ 49 મોબાઈલ, અલગ અલગ કંપનીના ચાર્જર, હેન્ડ્સ ફ્રી, બ્લ્યુટૂથ તેમજ રોકડા રૂ. 80 હજાર મળી કુલ રૂ. 14,97,843 ના મુદ્દામાલની ચોરી કરી હતી અને બાકીના 3 લોકો બહાર ઉભા હતા. આમ માત્ર 34 મિનિટમાં 14.97 લાખના મુદ્દામાલની ચોરી થયા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યું છે.
રાજકોટ ફોન વાલા મોબાઇલના શો-રૂમમાં થયેલી ચોરીનો ભેદ હજુ અકબંધ:
જૂનાગઢમાં ચાદર ગેંગએ પણ ફોનવાલાને ટાર્ગેટ બનાવી
આ અંગે ફોન વાલા મોબાઈલ દુકાનના મેનેજર ઈકબાલભાઈ અબદુલમિયા કાદરીએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ રવિવાર બપોર બાદ દુકાન બંધ કરી જતા રહ્યા હતા અને સોમવારે દસ વાગ્યે દુકાને આવતાં ચોરી થયાની જાણ થઈ હતી. આ ચોરીમાં તેમની દુકાનમાંથી રૂ. 10,34,126 ની કિંમત ના 49 મોબાઈલ, રૂ. 3,83,717 ની કિંમતના અલગ અલગ કંપનીના ચાર્જર, હેન્ડસ ફ્રી, બ્લુ ટ્રુથ, તેમજ રોકડા રૂ. 80 હજાર મળી કુલ રૂ. 14,97,843 ના મુદ્દામાલની ચોરી થઈ છે.
જુનાગઢના ભરચક્ક વિસ્તારમાં વહેલી સવારે થયેલ આ ચોરીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થતા જુનાગઢ બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતની ટીમના અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ડોગ સ્કવોર્ડ સહિતની મદદ લેવાઈ હતી. આ સાથે ચોરીના સમયે દુકાનનો કેમેરો બંધ હતો, ત્યારે બાજુમાં આવેલ એક દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં વહેલી સવારે 5:21 એ દુકાન પાસે 4 શખ્સો ઉભેલા જણાયા હતા અને બાદમાં 1 શખ્શે શતર ઊંચું કરી, દુકાનમાં પ્રવેશ કરી, હાથફેરો કરી, દુકાનની બહાર આવ્યો હતો, ત્યારે બાકીના લોકો બહાર ઉભા હતાં.
જોકે આ ચોરી દરમિયાન ચોર ઈસમોએ ચાદરનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કર્યો છે. ત્યારે આ ચોરી બિહારની ચાદર ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે.અને તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે, સાથોસાથ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરાઇ છે અને બાતમીદારો પાસેથી વિગતો મેળવવાની સાથે વિવિધ ટીમ દ્વારા આ આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન થયા છે.