અબતક-રાજકોટ
શહેરના પોષ વિસ્તાર એવા ચંદ્રપાર્ક મેઈન રોડ પર આવેલા વિડી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના સ્ટુડિયોમાં ગત રાતે તસ્કરો ત્રાટકયા હતા. સ્ટુડિઓમાંથી રોકડ રકમ ન હોવાથી બે મોબાઈલ અને લેપટોપની ચોરી કરી તોડફોડ કર્યાનું સામે આવ્યું છે. તસ્કરોએ સ્ટુડિયોમાં તોડફોડ કરતા લાખોનું નુકસાન થયું હોવાનું માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે.ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી ગયો હતો.
કાચના દરવાજા સહિત સ્ટુડિયોમાં વસ્તુઓની કરી તોડફોડ: રોકડ હાથના આવી: લાખોનું નુકસાન
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના પોષ વિસ્તાર એવા બિગ બજાર પાછળ આવેલા મૃતી ચોક પાસે ચંદ્રપાર્ક મેઇનરોડ પર આવેલા વિડી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના સ્ટુડિયોને નિશાન બનાવ્યો હતો. જે અંગે સાધુવાસવાણી રોડ પર રહેતા સ્ટુડિયોના માલિક વિશાલભાઈ હરિભાઈ ડોડીયાએ પોલીસમાં જાણ કરતા રાજકોટ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.મોરવાડિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસે સ્ટુડિયોની તલાશી લેતા તેમાંથી બે મોબાઈલ અને લેટપટોપ સહિત કુલ રૂ. ૩૦,૦૦૦ની મત્તા તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ ગઠિયાઓને મોટી રકમ હકથ લાગી ન હતી જેથી રોકડની ચોરી ન થઈ હોવાનું સામે આવ્યું છે.
પરંતુ તસ્કરો દ્વારા સ્ટુડિયોમાં પ્રવેશવા માટે કાચના બે દરવાજા સહિત અનેક વસ્તુઓમાં તોડફોડ કરી હતી. વહેલી સવારે માલિક વિશાલભાઈ ડોડીયા સ્ટુડિયોએ પહોંચતા જ ઘટના અંગે જાણ થઈ હતી. જેના પગલે તુરંત તાલુકા પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથધરી છે.