સીડી રૂમના દરવાજામાં બાકોરૂ પાડી તસ્કરોએ પાર્થ એન્ટરપ્રાઇઝમાંથી રૂ.1.40 લાખ અને સંજય ઓટો મોબાઇલમાંથી રૂ.39 હજાર રોકડાનો કર્યો હાથફેરો
અબતક,રાજકોટ
ગોંડલ ચોકડી પાસે આવેલા પાર્થ એન્ટર પ્રાઇઝ અને સંજય ઓટો મોબાઇલને તસ્કરોએ નિશાન બનાવી સીડી રૂમના દરવાજામાં બાકોરૂ પાડી ટેબલના ખાનામાંથી રૂા.1.78 હજાર રોકડા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કોરોના મહામારીથી બચવા ઉપયોગમાં લેવાતી પીપીઇ કીટ પહેરેલા તસ્કરના સીસીટીવી ફુટેજ મળી આવતા આજી ડેમ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે જલારામ-3 શ્રીજીનગર સોસાયટી મેઇન રોડ અંજની ટાવરવાળી શેરીમાં પિતૃ આશિષ ખાતે રહેતાં અને ગોંડલ રોડ ચોકડી નજીક માલધારી હોટેલ પાસે પાર્થ એન્ટરપ્રાઇઝ નામે એ.સી.નો શો રૂમ ધરાવતાં મિતુલભાઇ જીવરાજભાઇ વઘાસીયા (ઉ.44)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે. મિતુલભાઇ સાથે આ શો રૂમમાં નિરજભાઇ ગીરધરભાઇ ગોધાણી પાર્ટનર છે.મિતુલભાઇએ કહ્યું હતું કે 7મીએ સાંજે સાડા સાતેક વાગ્યે અમે અમારો શો રૂમ બંધ કર્યો હતો અને ઘરે ગયા હતાં. 8મીએ સવારે સંજય ઓટો મોબાઇલવાળા પિયુષભાઇ મગનભાઇ પટેલે મેને ફોન કરી વાત કરી હતી કે આપણી બંનેની દૂકાનમાં ચોરી થઇ છે. આથી હું તરત શો રૂમ ખાતે પહોંચ્યો હતો. તપાસ કરતાં ખબર પડી હતી કે મારા શો રૂમના ધાબા પરના દરવાજામાં બાકોરૂ પાડી અંદરનો આગળીયો ખોલી દરવાજેથી ચોર અંદર આવ્યા હતાં. શો રૂમના પહેલા માળે આવેલા ઓફિસના ટેબલના ખાનાના લોક તોડી તસ્કરો અંદરથી રૂા. 1,93,500ની રોકડ ચોરી ગયા હતાં.
જ્યારે બાજુવાળા સંજય ઓટો મોબાઇલવાળા પિયુષભાઇની દૂકાનમાંથી પણ 39 હજારની રોકડ ચોરી જવામાં આવી હતી. મેં આ અંગે બાદમાં પાર્ટનર નિરજ ગોધાણીને જાણ કરી હતી.મિતુલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા ચેક કરતાં બે તસ્કર સીટીમાં જોવા મળ્યા હતાં. જે પીપીઇ કીટ પહેરીને આવ્યા હતાં. બંને દૂકાનોની અગાસી પરના લોખંડના દરવાજા આગળીયા પાસે ગ્રાઇન્ડરથી કટીંગ કરી અંદરથી આગળીયા ખોલી લઇ ચોરી કરી હતી. આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. જામંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.