ચાર ચોરો પથ્થરની થેલી સાથે CCTVમાં કેદ
રાજકોટ શહેરના કુવાડવામાં મોડી રાત્રીના ચોરીની ઘટના સામે આવી છે. ચાર જેટલા તસ્કરો આવી મોબાઇલ ફોનની દુકાન તેમજ ફરસાણની દુકાન સહીત 3 દુકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જ્યાં મોબાઇલની સાથે લાડવા, ગાઠીયા પણ ચોરો ચોરી ગયા હતા. તસ્કરોએ પોતાના બચાવ માટે પથ્થર ભરેલી થેલીઓ પણ સાથે રાખ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ કુવાડવામાં રવિવારે સવારે વેપારી પહોંચ્યા ત્યારે ત્રણ દુકાનના શટર તૂટેલા જોવા મળ્યા હતા, એટલું જ નહીં પરંતુ દૂધાત્રા પરિવારના મઢમાં પણ ચોરીનો પ્રયાસ થયાનું ખુલ્યું હતું, ટોળે વળેલા લોકોએ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં શનિવારે રાત્રે ચાર શખ્સ બજારમાં તાટક્યા હતા તેમની પાસે થેલી હતી જેમાં પથ્થરો હતા. મોબાઇલની અને ફરસાણ સહિત ત્રણ દુકાનના શટર તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા, ફરસાણની દુકાનમાંથી લાડવા, ગાંઠિયા અને પાપડીનો નાસ્તો તસ્કરો ઉઠાવી ગયા હતા.
ઉલ્લેખનીય છે,કે તસ્કરોએ સોમનાથ મોબાઇલ અને ચંપકભાઈ વાણિયાની દુકાન બીજી વખત નિશાન બનાવી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે તસ્કરો પૂર્વ તૈયારી કરીને આવેલા હોય તેમ ચોરી કરતા સમયે કોઈ નિહાળી જાય તો તેમના પર હુમલો કરવા માટે પથ્થરની થેલી ભરીને આવ્યા હતા. શટર તોડતી વખતે પથ્થરો બાજુમાં રાખેલ હતા. જે ઓટા પર પણ પડેલ સીસીટીવીમાં જોવા મળ્યું હતું.