પરિવાર લૌકિક ક્રિયાએ ગયો અને ચોર કળા કરી ગયા: પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ ત્રણને ઝડપી પાડ્યા
રાજકોટમાં ગૌતમપાર્કમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલકના લૌકિક ક્રિયાએ ગયા અને તેમના ઘરમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના સહિત કુલ રૂ.25.21 લાખનો હાથફેરો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ સીસીટીવીના આધારે ત્રણ તસ્કરોને સંકજામાં લઇ વધુ તપાસ હાથધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી વિસ્તારમાં હેડ ક્વાર્ટર નજીક આવેલા ગૌતમપાર્ક વિસ્તારમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલક મગનભાઈ ચતુરભાઈ જાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.29મી એપ્રિલના તેઓ પરિવાર સાથે સાયલાના સુદામા ગામે રહેતા તેના મામાના ઘરે લૌકિક ક્રિયાએ ગયા હતા.
જેથી તેમના ઘરે તાળા લાગ્યા હતા. તે દરમિયાન પંચરત્ન પાર્કમાં રહેતા ફરિયાદીના પુત્ર અને પુત્રવધુ બંધ મકાને આટો મારવા ગયા હતા.જ્યાં મકાનના તાળા તૂટેલા જોઈ તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તાલુકા પોલીસ ઇન્ચાર્જ પીઆઇ રાઠવા અને પીએસઆઇ ડામોર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બંધ મકાનમાં તસ્કરોએ તાળા તોડી રોકડા રૂ.4.30 લાખ તથા તિજોરી તોડી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.25.21 લાખની મતા ચોરી કરી ગયાનું ખુલ્યું હતું.
પોલીસે તુરંત સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરતાં તેમાં ત્રણ અજાણ્યા શખ્સો કેમેરામાં કેદ થયા હતા. જેના પગલે પોલીસે તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ ત્રિપુટીને સંકજામાં લઈ આકરી પૂછતાછ કરતા ત્રણેય તસ્કરોએ ચોરીની કબૂલાત આપતા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.