અબતક,રાજકોટ
રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર આવેલ અંજલી પાર્કમાં રહેતા વોર્ડ નંબર 9 ના ભાજપના મહિલા કોર્પોરેટર બે કલાક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનનો દરવાજો ખોલી રૂપિયા 6 લાખની મતા ચોરી ગયા છે. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ સાધુવાસવાણી રોડ ઉપર આવેલ અંજલી પાર્ક ખાતે દોડી ગઈ હતી અને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.અને ચોર જાણભેદુ હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ સામે આવેલ અંજલી પાર્ક શેરી નંબર 4 માં અભિષેક મકાનમાં રહેતા રાજકોટ શહેર વોર્ડ નંબર 9 ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભરતભાઇ વસાણી ગઈકાલે સાંજે પરિવાર સાથે જલારામ જયંતીના દર્શન કરવા ગયા હતા. આ સમયે પાછળથી તેમના બે કલાક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને રૂ.6 લાખની મતા ચોરી ગયા હતા.કોર્પોરેટર તેના ઘરે પરત આવ્યા ત્યારે તેના ઘરનો દરવાજો ખુલો જોવા મળતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું.
મકાનની અંદર તપાસ કરતા રૂમમાં સામાન વેર-વિખેર હતો. રૂમમાં કબાટમાં રાખેલા 6 લાખની રોકડ ચોરી થઈ ગઈ હતી. આ બાબતની જાણ નંબર 9ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ પોલીસને કરી હતી. જે બાદ તુરંત યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ, પીએસઆઈ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી મહિલા કોર્પોરેટર દક્ષાબેનની અરજી મેળવી તપાસ હાથ ધરી છે.
ચોરોને પકડવા ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવાઈ
યુનિવર્સીટી પોલીસે આ ચોરીના બનાવમાં ચોરોની ઓળખ મેળવવા માટે ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લીધી છે. આ ચોરીમાં પ્રાથમિક તપાસમાં દરવાજાનું તાળું તોડ્યા વગર લોક ખોલીને અંદર પ્રવેશ કર્યો હોય જેથી હાલ કોઈ જાણબેદૂએ જ આ કૃત્ય આચર્યું હોઈ જેથી શકમંદોની પુછપરછ પણ કરી વધુ તપાસ હાથ ધરી છે.