માત્ર એક કલાકમાંજ ચાર જેટલા તસ્કરોએ તરખાટ મચાવતા વેપારીઓમાં ફફડાટ
શહેરની ભાગોળે અમદાવાદ હાઇ-વે પર આવેલા કુવાડવામાં તસ્કરોએ માત્ર એક કલાકમાં જ એક સાથે 12 જેટલી દુકાનના શટરના તાળા તોડી હાથફેરો કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. તસ્કરોએ એક ડઝન દુકાનમાં ચોરી કર્યાની પોલીસમાં જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ અને કુવાડવા પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા ગામમાં દુકાન ધરાવતા સામાજીક કાર્યકર દેવીકાબેન મનોજભાઇ મહેતાએ કુવાડવામાં એક સાથે 12 જેટલી દુકાનમાં ચોરી થયાની પોલીસમાં જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી સહિતનો સ્ટાફ તેમજ કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એન.એન.ચુડાસમા અને હિતેશભાઇ ગઢવી સહિતના સ્ટાફ કુવાડવા ખાતે દોડી ગયા હતા.
તસ્કરોએ ગતરાતે બે થી ત્રણ વાગ્યાના સમય દરમિયાન ત્રણ થી ચાર જેટલા તસ્કરોએ એક સાથે 12 દુકાનના તાડા તોડી પરચુરણ માલ-સામાન અને રોકડની ચોરી થયાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથધરી છે.