જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલ ગરીબનગર પાણાખાણ ઇદ મસ્જિદ પાછળ બે મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગત તા.29ના રાત્રિના સમયે મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી લાકડાના કબાટમાં રહેલ 80 હજારની રોકડ રકમ તેમજ 80 હજારથી વધુથી રકમના સોનાના દાગીના ચોરી કરી ગયા હતાં તેમજ અન્ય એક મકાનમાંથી રૂા.7000 ની કિંમતનો મોબાઇલ ફોન પણ ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગરીબનગર પાણખાણ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા મોહમ્મદ હાસમભાઇ થઇમના રહેણાંક મકાનમાં ગત 29મી તારીખના રાત્રિના સમયે કોઈ તસ્કરોએ દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને લાકડાના કબાટ માં થી 90 હજારની રોકડ રકમ ઉપરાંત 58,800 ની કિંમતની કાનમાં પહેરવાની ત્રણ જોડી સોનાની બુટ્ટી, રૂા.25 હજારની એક જુનવાણી સોનાની બુટ્ટી વગેરેની ચોરી કરી ગયા હતા.
જયારે પાડોસમાં આવેલા અન્ય એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી મોબાઇલ ફોન વગેરે સહિત બન્ને મકાનોમાંથી કુલ 1,80,800ની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા.
ચોરીના આ બનાવ અંગે મોહમ્મદભાઈએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં બેડેશ્વર પોલીસ ચોકીના પી.એસ.આઇ. યુ.કે. જાદવ અને તેમની ટીમે ચોરીના મામલે વધુ તપાસ હાથ ધરી છે, અને તસ્કરોને પકડી પાડવા દોડધામ કરી છે.