જૂનાગઢમાં ગઇ કાલે રાત્રીના તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં કુલ ચાર દુકાનમાંથી ચોર કળા કરી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધર્મશાળા રોડ પર સુન્ની બોરવાડ ભાટિયા પાસે રહેતા અને સુપ્રીમ એગઝ નામની દુકાન ધરાવતા એઝાઝભાઈ અજીજભાઇ મલેક નામના 32 વર્ષના યુવાને એ- ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તા.2જી ઓગસ્ટના મોડી રાત્રીના પોતાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો.
આ અંગે ફરિયાદમાં જણાવ્યા મુજબ મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ દુકાનનું શટર ખોલી ખાનામાં પડેલા રોકડા રૂ.28,000 અને અન્ય ખાનામાં પડેલા રોકડા રૂ.8,000ની ચોરી કરી હતી. તો બાજુમાં આવેલી વસિમભાઈ સિદિકભાઈ સિડાની નામના વેપારીની નુરી એગઝ નામની દુકાનમાં પણ તસ્કરોએ રૂ.6,500નો હાથફેરો કર્યો હતો. આમ તસ્કરોએ બંને દુકાનમાંથી કુલ રૂ.42,500ની મત્તા ચોરી ગયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
તો અન્ય સ્થળ પર સુખનાથ ચોકમાં રહેતા અને હરભોલે હોટલ ધરાવતા લક્ષ્મણભાઈ જ્ઞાનચંદાણી સિંધી નામના 57 વર્ષીય પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની હરભોલે નામની હોટલમાં મોડી રાત્રીના તસ્કરોએ શટર તોડી હોટેલની લાકડાની પેટીમાં રાખેલા રોકડા રૂ.17,000ની ચોરી કરી હતી. જ્યારે બાજુમાં આવેલી હનીફભાઇ નાથાભાઈ હાલાની હનીફ ટી નામની દુકાનમાંથી પણ રોકડા ર.10,000નો હાથફેરો થયો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પોલીસે બંને ફરિયાદ પરથી ચાર ચાર દુકાનમાં ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથધરી સીસીટીવી ફૂટેજમાં આધારે આગળની તપાસ હાથ ધરી છે.