પરિવાર ગારિયાધાર ગયો અને બંધ મકાન માંથી તસ્કરો રોકડ અને સોનાના ઘરેણા પર હાથફેરો કરી ગયા
શહેરમાં તસ્કરો જાણે પોલીસ ને ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેમ દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.જેમાં ચોરો બંધ મકાનોને રાત્રીના નિશાન બનાવી ચોરીને અંજામ આપે છે.ત્યારે વધુ એક વાર શહેરમાં વાણિયાવાડી વિસ્તારમાં ચોરીના બનાવને અંજામ આપી તસ્કર ટોળકી અઢી લાખની મતા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યાં તસ્કરો સોની વેપારીના બંધ મકાનમાંથી રોકડ અને સોનાના ઘરેણા મળી કુલ રૂ.2.55 લાખની મતા પર હાથફેરો કરી ગયા હતા.
વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામે પ્રકાશ જ્વેલર્સના નામથી વેપાર કરતા અને વાણિયાવાડી મેઇન રોડ, વિશાખાવંદના એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઇ કીર્તિભાઇ ધકાણ નામના સોની વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં તે પત્ની સાથે રહે છે. ગત તા.14ના રોજ પત્નીને લઇ જામકંડોરણા રહેતા સસરાને ત્યાં ગયા હતા.
બાદમાં તા.24ના પોતે પરત રાજકોટ આવ્યા હતા અને તા.25ના રોજ ગારિયાધાર જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ તા.29ની રાતે પોતે પરત રાજકોટ આવતા બંધ ફ્લેટના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા.ઘરમાં જઇ તપાસ કરતા બેડરૂમનો કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો. અને લોકરમાં રાખેલા રોકડા અઢી લાખ તેમજ પત્નીના ચાંદીના સાંકળા મળી રૂ.2.55 લાખની મતા જોવા મળી ન હતી. બનાવની પાડોશીને વાત કર્યા બાદ ભક્તિનગર પોલીસમાં જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના માધ્યમથી તસ્કર ટોળકીનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે.