રાજકોટમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન ચોરી અને લૂંટના બનાવો વધવા પામ્યા છે. તસ્કરોને જાણે ખાખીનો કોઈ ખોફ જ ન રહ્યો હોઈ તેમ બેખોફ થઈ ચોરીને અંજામ આપી રહ્યા છે.ત્યારે ગઈકાલે પોપટપરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીનો બનાવો બનવા પામ્યો છે જેમાં હવે તો તસ્કરો પત્રકારના કરને નિશાન બનાવી બંધ રહેલા રૂમમાં કબાટની તિજોરીને ચાવી વડે ખોલી તેમાંથી રૂ.૫૦ હજાર રોકડ અને ૬.૫૦ તોલા સોનું તેમ કુલ રૂ.૪ લાખની ચોરીને અંજામ આપતા સ્થાનિકોમાં ફફડાટ મચી જવા પામી છે.જ્યારે આ બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતા સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરી તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પરીવાર ઘરમાં સૂતા હતા અને તસ્કરો અગાસી પરથી બંધ રૂમમાં આવી તિજોરીને ચાવીથી ખોલી રોકડ અને સોનાના ઘરેણાં પર હાથફેરો કર્યો
આ અંગે બનાવની મળતી માહિતી અનુસાર રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નંબર એકમાં રહેતા હેલ્લો સૌરાષ્ટ્રના પત્રકાર કુલદીપસિંહ ખુમાનસિંહ જાડેજાના મકાનમાં ગઈકાલ મોદી રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા.અને તેના રૂમમાં રહેલા કબાટની તિજોરીને ચાવીથી ખોલી તેમાં રહેલા રોકડ રૂ.૫૦ હજાર અને ૬.૫૦ તોલા સોનાના ઘરેણાં ની ચોરી કરી નાશી ગયા હતા.જ્યારે આ બનાવની પ્ર.નગર પોલીસને જાણ થતાં સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે દોડી ગયો હતો.અને પ્રાથમિક પુછપરછ કરતા કુલદીપસિંહ કાકા અનિરુદ્ધસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,કુલદીપસિંહ બે થી ત્રણ દિવસ પહેલા મિત્રો સાથે રાજસ્થાન ફરવા માટે ગયા હોવાથી તેનો રૂમ બંધ હતો.ગઈકાલે પરિવાર હાજર હતો ત્યારે રાત્રીના તમામ પરિવાર જનો સૂઈ ગયા હતા.તે સમયે અજાણ્યા તસ્કરો પાછળની શેરીમાંથી મકાનની અગાસી પરથી મકાનમાં પ્રવેશ કરી કુલદીપના બંધ રૂમમાં ઘૂસ્યા હતા.અને કબાટમાં રહેલી તિજોરીને ચાવી વડે ખોલી તેમાં રહેલા રોકડ રૂ.૫૦ હજાર અને ૬.૫૦ તોલા સોનાના ઘરેણા મળી કુલ રૂ.૪ લાખની ચોરીને અંજામ આપી ગયા હતા.
સવારે પરિવાર જાગ્યો ત્યારે તેમના મકાનમાં ચોરી થયા હોવાની જાણ થતા તેમને પ્રદ્યુમન નગર પોલીસમાં ઘટનાની જાણ કરી હતી. હાલ પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજો મેળવી તસ્કરોની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
એક માસમાં પોપટપરા વિસ્તારમાં ત્રીજી ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો
શહેરમાં આવેલા પોપટ પરા વિસ્તારમાં એક માસની અંદર આ ચોરીની ત્રીજી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ મચી જવા પામી છે. એક માસની અંદર ત્રીજી ચોરીને અંજામ આપી જાણે તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું માલુમ પાડી રહ્યું છે. ત્રણ ચોરીની વાત કરવામાં આવે તો પ્રથમ તે વિસ્તારમાં આવેલા ગેરેજમાં સ્પેરપાર્ટ ની ચોરીની ઘટના બની હતી ત્યારબાદ કૃષ્ણનગર સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો રોકડ રૂ.૧.૫૦ લાખ ચોરી ગયા હતા ત્યારે ગઈકાલે ફરી એકવાર ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.હાલ તસ્કરોને પકડી લેવા પોલીસ ઉંધે માથે લાગી છે.