પરિવારજનો પ્રસંગમાં જતા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ હાથ ફેરો કર્યો: ઘટના સીસીટીવીમાં કેદ
અબતક,રાજકોટ
રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે અને બંધ મકાનને નિશાન બનાવી હાથ ફેરો કરી જવાના અવાર નવાર બનાવો સામે આવી રહ્યા છે.
ત્યારે મોરબી રોડ પર શાંતિપાર્કમાં રહેતા ફોટોગ્રાફરનાં બંધ મકાનના તાળા તોડી તસ્કરો દાગીના અને રોકડ મળી કુલ રૂ.5.21 લાખની મતા ચોરી ગયાની ફરિયાદ બી.ડીવીઝન પોલીસમાં થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ શાંતિ પાર્કમાં રહેતો અને ફોટોગ્રાફરના વેપાર કરતા અશ્ર્વીનભાઈ ચમનભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવ્યા મુજબ ગત તા.19ના રોજ તેના પત્ની માલાબેન સાથે કુબલીયાપરામાં માતાજીના માંડવામાં ગયા હતા અને રાત્રીના મોડુ થઈ જતા ત્યાં રોકાયા
હતા અને સવારે તેના સસરા અને સાસુ ન્હાવા માટે તેને ઘેર ગયા હતા તે દરમ્યાન મકાનના તાળા તુટેલા હોવાની જાણ થતાં તેને બી ડીવીઝન પોલીસને સંપર્ક કરતા પીએસઆઈ બી.બી.કોડીયાતર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીકુલ રૂ.5.21 લાખની મતા ચોરો ઉઠાવી જતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.