પાછળથી ઘરની બારી તોડી પ્રવેશ્યા, કઇ હાથમાં ન આવતા ઉપરના માળે આગ ચાપી: રૂ.૧ લાખની ઘર વખરી ભડથૂ
રૈયા રોડ પર આવેલી રાજન સોસાયટી શેરી નં.૫માં આવેલા બંધ મકાનમાં ગત રાતે તસ્કરો ત્રાટકયા હતા. ઘરના ચાર કબાટ તોડવા છતા કઇ હાથે ન લાગતા તસ્કરોએ ઉપરના રૂમમાં ઘરવખરીમાં આગ ચાપી દેતા રૂ.૧ લાખનો મુદામાલ ભડથૂ થઇ ગયો હોવાની ઘટના પોલીસ ચોપડે નોધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલી રાજન સોસાયટી શેરી નંબર-૫માં આવેલા જગદિશભાઇ જોશીના મકાનમાં આજે સવારે આગ લાગી હોવાની જાણ પાડોશીએ કરતા મકાન માલિક દોડી આવી ફાયરમાં જાણ કરતા ફાયરના જવાનોએ બે બેબા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રથમ નજરે જોતા મકાન બંધ હોવાથી શોર્ટ-સર્કિટથી આગ લાગી હોવાનો અનુમાન લાગ્યો હતો. પરંતુ ઘરમાં પ્રવેશતા જ પરિસ્થિતી અલગ જ હતી.
મકાનમાલિક જગદિશભાઇ જોશીના જણાવ્યા મુજબ પોતે આલાપગ્રીન સીટીમાં રહેતા હોવાનું અને રાજન સોસાયટીમાં તેમના સાસુ રહેતા હોવાનું જણાવ્યુ હતું. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તેમના સાસુ પણ આલાપગ્રીન ખાતે રહેતા હોવાથી મકાન બંધ પડયુ હતુ. જેનો ફાયદો ઉઠાવી ગત રાતે તસ્કરો ઘરની પાછળની બારી માંથી ઘૂસી નીચે રહેલા બે કબાટના અને ઉપરના માળે રહેલા બે કબાટના તાળા તોડી સામાન વેર વિખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચોરને કઇ હાથમાં ન લાગતા ઉપરના માળે ઘરવખટીમાં આગ ચાપી દીધી હોવાનુ જણાવ્યુ હતુ. જેમાં અંદાજીત રૂ.૧ લાખ સુધીની ઘરવખરી વખીને ખાખ થઇ ગઇ હોવાનુ જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતા યુર્નિવસીટી પોલીસ મથકના સ્ટાફે દોડી જઇ અજાવ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.