સાયકલ ચોરી, પેટ્રોલ ચોરી અને વાહન ચોરીની રોજીંદી બની ઘટના: પોલીસ પેટ્રોલિંગ જરૂરી
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલી ચંદ્ર શેખર આઝાદ ટાઉનશીપમાં તસ્કરોએ જાણે રંઝાળ મચાવી હોય તેમ દિન પ્રતિદિનન ચોરીની ઘટના વધતી જાય છે. છેલ્લા એક સપ્તાહથી સોસાયટીમાં સાયકલ ચોરી, પેટ્રોલ ચોરી અને વાહન ચોરીની રોજીંદી ઘટનાથી રહેવાસીઓ પરેશાન થતા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રેલનગર વિસ્તારમાં છેવાડે આવેલી ચંદ્ર શેખર આઝાદ ટાઉનશીપમાં આસપાસ અવાવરું જગ્યા અને મોટા પ્રમાણમાં સ્લમ વિસ્તાર હોવાના કારણે ચોરીની ઘટનાઓ રોજીંદી બની છે. મોડી રાત સુધી સોસાયટીના લોકો જાગતા હોવા છતાં તસ્કરો વહેલી સવારની મીઠી ઉંઘનો લાભ ઉઠાવી ચોરીઓને અંજામ આપી રહ્યા છે.ટાઉનશીપમાં વધતી જતી ચોરીની ઘટનાઓને કારણે રહેવાસીઓમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. અત્યાર સુધી સાયકલ ચોરી, પેટ્રોલ ચોરી અને વાહન ચોરીની ઘટનાઓથી ત્રસ્ત રહેવાસીઓને હવે તસ્કરો ઘર સુધી ન આવી પહોંચે તેનો ભય લાગી રહ્યો છે.
ચંદ્ર શેખર આઝાદ ટાઉનશીપની આસપાસ અવાવરુ જગ્યા અને સ્લમ વિસ્તારના કારણે અનેક ચોરીઓની ઘટનાઓને તસ્કરોએ અંજામ આપ્યો છે. સતત એક સપ્તાહથી તસ્કરો ચોરને જાણે સોનાની મુરઘી મળી હોય તેમ રોજ આંટાફેરા કરી રાત્રે અને દિવસે પણ તસ્કરો હાથફેરો કરતા હોવાથી રહેવાસી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
છેલ્લા એક સપ્તાહથી નાની-મોટી ચોરીનો ભોગ બનતા ટાઉનશીપના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાર્કિંગમાંથી પેટ્રોલ અને વાહનચોરી ઘટના સુધી સિમિત રહેલા તસ્કરો હવે ઘરના દરવાજા સુધી ન પહોંચે તેનો ભય પણ સતાવી રહ્યો છે. આ માટે ચંદ્ર શેખર આઝાદ ટાઉનશીપના પ્રમુખ અને રહેવાસીઓ સાથે મળીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદન પાઠવી પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માંગ કરી શકે છે.