તસ્કરોને ખાખીનો કઈ ખોફ જ ન રહ્યો હોય તેવી રીતે તેવો બેફામ બનીને પોલીસને ખુલ્લે આમ ધમકી આપતા હ્પ્ય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સાબરકાંઠામાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં તસ્કરોએ માત્ર 6 જ મિનિટમાં દુકાનમાં ચોરી કરી હતી. 4:28એ તસ્કરો બાઈક લઈ પહોંચ્યા હતા ત્યારબાદ 4:31એ દુકાનનું શટર તોડ્યું અને 4:34એ ચોરીને અંજામ આપી અંધારામાં છુમંતર થઈ ગયા હતા. હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠા જીલ્લાની છે જ્યાં હિંમતનગરના પ્રાંતિજ તાલુકાના સલાલમાં આવેલી વિનાયક સુપર માર્કેટમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ પરોઢિયે દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને માત્ર 6 જ મિનિટમાં દુકાનમાં રહેલા માલ સામાનની ચોરી કરીને રાતના અંધારામાં કળા કરી ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી જેમાં વિનાયક સુપર માર્કેટમાં સોમવારે વહેલી પરોઢે બે તસ્કરો નંબર વગરની બાઈક લઈને આવ્યા અને પહેલાં આજૂબાજૂ નજર ફેરવી કોઈ છે નહીં તેની ખાત્રી કરી દુકાનના શટરને લોખંડના પાટા જેવા હથિયાર વડે શાંતિથી તોડ્યુ અને ચૂપચાપ અંદર ધૂસી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લોખંડના પાટા જેવા હથિયાર વડે શટર તોડ્યા બાદ બંને તસ્કરોએ અંદર પ્રવેશ કરી સરસામાન વેર વિખેર કરી દીધો હતો.બંને તસ્કરોએ રૂ. 28 હજારનો મુદ્દામાલ એકઠો કરીને છુમંતર થઈ ગયા હતા ત્યારે આ મામલે સુપર માર્કેટના માલિક ધવલસિંહે પ્રાંતિજ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી કબજે લઈને ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.