મામલદાર કચેરીના ઘરેણાં અને આર.ટી.ઓની રોકડ ભરેલી પેટી મળી કુલ રૂ.24.11 લાખની કરી ચોરી

અંજારમાં તસ્કરોએ સીધો પોલીસને જ પડકાર ફેંકી 24 કલાક તેનાત રહેતા અંજારની તિજોરી કચેરીમાં ચોરી થવાનો બનાવ સામે આવતા ચકચાર પ્રસરી છે. તસ્કરોએ ગાર્ડ અવર-જવર કરે છે તે સ્થળેથી અંદર પ્રવેશી વજન વાળા તાળા ખોલી અનેક પેટીઓ પૈકીની જેમાં નાણા અને દાગીના જ હતા તેવી માત્ર 2 પેટીઓના નકુચા તોડી રોકડ અને દાગીના મળી કુલ રૂ. 24.11 લાખની ચોરીને અંજામ આપવાનો બનાવ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલેખનીય છે કે, બનાવ બાદ ગાર્ડ પણ ગુમ હોવાથી ચોરીને કોઈ જાણભેદુએ જ અંજામ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ અંગે વિગતો મુજબ અંજાર સ્થિત પેટા તિજોરી કચેરીના અધિકારી દર્શનાબેન વિશાલકુમાર વૈધએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અંજારની પેટા ટ્રેઝરી કચેરીમાં જુદી જુદી સરકારી કચેરીના વેલ્યુએબલ આર્ટિકલ બોક્સ, નાણા પેટી, ચૂંટણી પેટી વગેરે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. જેથી રાબેતા મુજબ તા. 4/8ના પણ અંજાર આર.ટી.ઓ કચેરીની કેસ પેટી સહિત વિવિધ પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં સલામત રાખી હતી અને જેમાં બહાર ગાર્ડ તરીકે પ્રવીણભાઈ સારંગભાઈ હાજર હતા.બીજા દિવસે તા. 5/8 સવારે 11 વાગ્યે આર.ટી.ઓ કચેરીના કર્મચારીઓ પોતાની નાણાં ભરેલી પેટી લેવા આવ્યા ત્યારે ફરિયાદી તેમના સાથે પેટી લેવા ગયા તે દરમ્યાન સ્ટ્રોંગ રૂમની સીલની દોરી કપાયેલી હતી અને દરવાજાથી ભાર મારવામાં આવેલા તાળા પણ જોવા મળ્યા ન હતા. આર.ટી.ઓ કચેરીની કેસ બોક્સના નકુચા પણ તૂટેલા હતા અને તેમાં રાખેલા રોકડા રૂ. 23,56,925 પણ ન હતા. જે બાદ વધુ તપાસ કરતા મામલતદાર કચેરી દ્વારા જમા કરાવવામાં આવેલા આર્ટિકલ બોક્સનો પણ નકુચો તૂટેલો હતો.જેમાંથી રૂ. 55 હજારની કિંમતના 1000 ગ્રામ વજનના 136 નંગ ચાંદીના જુદા જુદા દાગીના પણ ચોરી ગયા હતા.

જે બાદ પોલીસને બોલાવી તપાસ કરવામાં આવતા તિજોરી ગાર્ડનો પ્રવેશરૂમનો દરવાજો બહારથી બંધ હતો અને તે સમયે ગાર્ડ પણ હાજર મળ્યો ન હતો. જો કે કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા આર.ટી.ઓ કચેરીના રોકડા રૂ. 23,56,925, મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવેલા રૂ. 55,000ની કિમતના ચાંદીના મળી કુલ રૂ. 24,11,925ની ચોરી થઇ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.ઊલેખનીય છે કે, ટ્રેઝરી કચેરીમાં 2 શિફ્ટમાં 24 કલાક માટે પોલીસ જવાન રાખવામાં આવે છે પરંતુ કારણોસર એકમાત્ર પોલીસ જવાનને 24 કલાક માટે ટ્રેઝરી કચેરીની રખેવાળી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. જેથી હાલ પોલીસે ગુનો નોંધી ચોરની શોધખોળ હાથધરી છે.

ઘટના બાદ તિજોરીની રખેવાળી કરતો ગાર્ડ ગુમ : ચોરીમાં જાણભેદુ હોવાની શંકા

આ અંગે પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાર્ડ જે સમયે ન હતો તે સમયે જ ચોરી કરવામાં આવી છે, વળી તાળા કટર વડે કાપી લઇ ગયા હોવાનું પણ પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે, ઘણી બધી પેટીઓ હોવા છતાં જેમાં નાણા અને દાગીના હતા માત્ર તે 2 પેટીઓણે જ તોડવામાં આવી છે, જેના પરથી કોઈ જાણભેદુએ આ ઘટનાણે અંજામ આપ્યો છે અથવા તો ચોરી માટેની ટીપ આપી હોવાની શંકાઓ ઉત્પન્ન થઇ છે. ઉપરાંત ચોરનીની ઘટના બાદ રખેવાળી કરતો ગાર્ડ પણ ગુમ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પેટા તિજોરી કચેરીમાં એક પણ સીસીટીવી નથી

અંજારમાં પ્રાંત કચેરીમાં આવેલી ટ્રેઝરી કચેરી જેમાં દરરોજ સરકારી લાખોની કિંમતના નાણા અને મહત્વના દસ્તાવેજો રાખવામાં આવે છે અને પોલીસ દ્વારા પણ રખેવાળી માટે 24 કલાક ગાર્ડ રાખવામાં આવે છે. આટલી મહત્વની કચેરી હોવા છતાં ત્યાં એક પણ સીસીટીવી કેમેરો રાખવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું હતું.જેથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.