વૃદ્ધ દંપતી જાત્રા માટે ગયાનાં બીજા જ દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું
૪ ગોલ્ડ બિસ્કીટ, ૮૫૦૦૦ રોકડ, એલઈડી, લેપટોપ અને સીસીટીવી સહિતની મત્તા ઉઠાવી ગયા
દિવાળી પૂર્વે તસ્કરોએ બોપી કરી રૂ ૧ર લાખની મતાની ચોરી કરી જમાં ચકચાર મચી જવા પામી છે.
શહેરમાં દિવાળી પર્વને લઈ છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તહેવારોનાં દિવસોમાં લોકો પોતાના મકાન બંધ કરી બહારગામ જતા હોય તેમની સલામતી માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી રહી હોય તેવા દાવાનો તસ્કરોએ છેદ ઉડાવી નાખ્યો છે. શહેરનાં પોશ વિસ્તાર ગણાતા એરપોર્ટ નજીક સ્વસ્તિક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ૧૨ લાખની કિંમતનાં ચાર ગોલ્ડ બિસ્કીટ, ૮૫૦૦૦ રોકડ, એલઈડી, લેપટોપ તથા સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા.
વૃદ્ધ દંપતિ ધાર્મિક યાત્રા માટે મકાન બંધ કરી નિકળ્યા બાદ બીજા જ દિવસે તસ્કરોએ આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજનાં આધારે તપાસ હાથધરી છે.
ચોરીનાં આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરનાં એરપોર્ટ રોડ પાસે આવેલી સ્વસ્તિક સોસાયટીમાં આસોપાલવ નામના વૃદ્ધ દંપતિનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવા અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મકાનમાંથી ૪ ગોલ્ડ બિસ્કીટ કિંમત રૂા.૧૨ લાખ, ૮૫૦૦૦ રોકડ, એલઈડી ટીવી, લેપટોપ તથા તસ્કરો સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા.
બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ મકાનમાં રશ્મીકાંતભાઈ બોટાદરા અને તેમનાં પત્નિ રહે છે. તેઓ ધાર્મિક યાત્રા માટે ગઈકાલે મકાન બંધ કરી નિકળ્યા હતા હજુ તેઓ ભાવનગર પહોંચ્યા હતા ત્યાં જ પાડોશીનો ફોન આવ્યો હતો કે તમારા મકાનનાં તાળા તુટેલા હોય અહીં ચોરી થયાની શંકા છે જેથી વૃદ્ધ દંપતિ તુરંત ઘરે પરત ફર્યું હતું અને અહીં આવી તપાસતા લાખોની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. બનાવ અંગે પોલીસે આસપાસનાં મકાનોમાં તથા સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજનાં આધારે ચોરી કરનાર તસ્કરોનાં સગડ મેળવવા તપાસ હાથધરી છે.