જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વર ખાતે આવેલા એક્સિસ બેન્ક અને સેન્ટ્રલ બેન્કના એટીએમને ગતરાતે તસ્કરોએ નિશાન બનાવી લાખોની રકમનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પરના નાગેશ્વર ખાતે આવેલા એક્સિસ બેન્ક અને સેન્ટ્રલ બેન્કના એટીએમમાં ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસમને સવારે જાણ થતા પી.આઇ. કે.એ.વાળા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. તસ્કરોએ બંને બેન્કના એટીએમને ગેસ કટ્ટરથી તોડી મોટી રકમ તફડાવી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
એક્સિસ બેન્કના એટીએમમાંથી રૂા.12 લાખ અને સેન્ટ્રલ બેન્કના એટીએમમાંથી સાડા ત્રણ લાખની રોકડ ચોરી તસ્કરો ફોર વ્હીલ કારમાં ચાર જેટલા તસ્કરો ભાગી ગયાના સીસીટીવી ફુટેજ પોલીસને મળી આવ્યા છે. આ ઉપરાંત ફોર વ્હીલમાંથી ગેસ કટ્ટર ઉતાર્યાના અને બંને એટીએમના સીસીટીવીના કેમેરા પર બ્લેક સ્પ્રેક કરી તસ્કરોએ પોતાની ઓળખ છુપાવવા પ્રયાસ કર્યાના ફુટેજ પણ મળી આવ્યા છે.નાગેશ્ર્વરમાં એક્સિસ બેન્ક અને સેન્ટ્રલ બેન્કના એટીએમ તુટયાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ અને એઓજી સ્ટાફ ઘટના સ્થળ દોડી ગયો હતો માતબાર રકમની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ડોગ સ્કવોડની પણ મદદ લઇ સઘન તપાસ શરૂ કરી છે. તસ્કરો ફોર વ્હીલ લઇ કંઇ સાઇડથી આવ્યા અને કંઇ સાઇડ ભાગ્યા અંગેના ફુટેજ મેળવી પોલીસે એટીએમ ચોરીનો ભેદ ઉકેલવા કવાયત શરૂ કરી છે.
ત્રિશુલ ચોકમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર બે તસ્કરો તલાળા પાસેથી ઝડપાયા
શહેરમાં વધતા જતા ગુનાખોરીઓને નાથવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સુચનાને પગલે ક્રાઇમ બ્રાન્ચે એટીએમ તોડવાના પ્રયાસમાં બે તસ્કરોને તલાળાથી ઝડપી પાડ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામે રહેતા શખ્સ સહિત એક બાળ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.આ અંગેની મળતી વિગત મુજબ શહેરના ભક્તિનગર પોલીસ વિસ્તારમાં સહકાર રોડ પર નારાયણ નગર સોસાયટી ત્રિશુલ ચોક પાસે આવેલી ડિલક્ષ પાનની દુકાનની બાજુમાં આવેલા એસ.બી.આઇ. બેંકના એટીએમમાં ગત તા.5મી જુલાઈના રોજ પ્રવેશ કરી તેને તોડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો.જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.એમ.ધાખડા સહિતની ટીમને બાતમી મળી હતી કે એટીએમ તોડવાના પ્રયાસમાં બે આરોપી વેરાવળ પંથક હોય જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને તલાળા ગામેથી સુત્રાપાડા ગામના જયેશ વિઠ્ઠલ ઝાલા અને એક કાયદાકીય રીતે બાળ આરોપીને ઝડપી પાડ્યા હતા.પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેની પૂછતાછ હાથધરી હતી. જેમાં જયેશ ઝાલા અને બાળ આરોપીએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત આપી હતી અને બંને આરોપીએ એક દિવસ અગાઉ મોડી રાત સુધી એટીએમ પાસે રેકી પણ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને આરોપીને દબોચી વધુ તપાસ હાથધરી છે.