પ્રમાણસરના પાણીના હટ, ફુડ કોર્ટ, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ એરિયા, વિશ્રામ માટે બાંકડા સમેત સ્મૃતિવનને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવાશે.

વર્ષ ૨૦૦૧ના ગોઝારા ભૂકંપમાં કચ્છમાં મૃત્યું પામેલા ૧૩૮૦૫ હુતાત્માઓની કાયમી યાદમાં ભૂજ સ્થિત ભૂજિયા ડુંગરમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની નેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દર્શાવી છે. કચ્છની એક દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ ભૂજિયા ડુંગર ખાતે ચાલી રહેલા વિકાસ કામોની જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં  રૂપાણીએ જણાવ્યું કે, ભૂજિયા ડુંગરમાં આકાર પામી રહેલું સ્મૃતિજન દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષે એ પ્રકારે બનાવવાનું આયોજન છે. ભૂજિયા ડુંગરના ૪૭૦ એકર વિસ્તારમાં વિવિધ પ્રકારના કામો કરવામાં આવી રહ્યા છે. આ તમામ કામો ટુરિસ્ટ ફ્રેન્ડલી બનવા જોઇએ, તેવું  રૂપાણીએ સૂચન કર્યું હતું.

તેમણે આ બેઠકમાં એવી પણ સૂચના આપી કે પ્રવાસીઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે એ પ્રકારની સુવિધા સ્મૃતિ વનમાં ગોઠવવી જોઇએ. પ્રમાણસરના પાણીના હટ, ફૂડ કોર્ટ, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ એરિયા, બનાવવા પડશે. તદ્દઉપરાંત, વિશ્રામ માટે બાંકડા મૂકવા પણ તેમણે કહ્યું હતું.

આ સ્મૃતિ વનને સિનિયર સિટીઝન ફ્રેન્ડલી બનાવવા પર ભાર મૂકતા  રૂપાણીએ કહ્યું કે વરિષ્ઠ નાગરિકો સહેલાઇથી ફરી શકે એ માટે વ્યવસ્થા કરી જોઇએ. ઉપરાંત, શાળાના પ્રવાસો માટે અલગ વ્યવસ્થા કરવા અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઉભી થાય એ રીતે સમગ્ર આયોજન કરવાસ્મૃતિવન દર્શનીય અને રમણીય સ્થળ બની રહે તે માટે ડુંગર ઉપર આકર્ષક લેન્ડ સ્કેપિંગ કરવા પણ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો. જ્યાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવાની સાથે તેમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળવા તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ અહીં નિર્માણ પામનાર સંગ્રહાલયની સંરચના બાબતે પણ ઉંડો રસ દાખવ્યો હતો. તેમણે એવું સૂચન કર્યું હતું કે આ સંગ્રહાલયમાં આવનારા મુલાકાતીને કચ્છની સંસ્કૃતિ સાથે ભૂકંપ વખતના કચ્છની સ્થિતિની પણ અનુભૂતિ થવી જોઇએ.મુખ્યમંત્રીએ વર્તમાન સમયે ચાલી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી અને રાજ્ય સરકાર પાસે કોઇ પ્રશ્ન હોય તો તેનું ઝડપથી નિકાલ લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સ્મૃતિવનમાં થયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમાં ભૂજિયા ડુંગર ફરતે બાઉન્ડ્રી વોલ, તલાવડી, સનપોઇન્ટ,પાથ વે અને લેન્ડ સ્કેપની કામગીરીપૂર્ણ થઇ ગઇ છે. ભૂજિયા ડુંગર ઉપર આવેલા કિલ્લાની દિવાલનું રિસ્ટોરેશનની કામગીરીની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી અને તેને ઝડપથી પૂર્ણ સૂચના આપી હતી. એમેનિટીઝ બોક્સ, પોઝ પોઇન્ટ, ગેટ અને કેબીનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. સંગ્રહાલયનું બાંધકામ, રોડ અને કેબીન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની કામગીરી માટે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા રૂ. ૧૫૫ કરોડની ગ્રાંટ આપવામાં આવી છે.

તળાવડીનું બાંધકામ, વૃક્ષ, પોઇન્ટ, પાથ વે, લેન્ડ સ્કેપિંગ, પ્લમ્બિંગ સહિતના કામો માટે અત્યાર સુધીમાં રૂ. ૭૭.૩૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડુંગર ફરતે દિવાલ બનાવવાની કામગીરી રૂ. ૫.૮૬ કરોડના ખર્ચથી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવી છે. ફોર્ટવોલ રિસ્ટોરેટશનની કામગીરી માટે રૂ. ૧.૩૨ કરોડનો ખર્ચ થયો છે. બાકીની કામગીરી કુશળ કારીગરો મેળવી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.