ગત સપ્તાહમાં બનેલી સંસદ સુરક્ષા ભંગની તપાસ અત્યંત ગંભીરતા સાથે હાથ ધરવામાં આવી રહી છે તેના પર ભાર મૂકતા પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો છે કે એક ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવામાં આવી છે અને તેનો અહેવાલ આગામી 15-20 દિવસમાં સંભવત: આવી જશે.
પીએમની ટિપ્પણી એવા મજબૂત સંકેતો વચ્ચે આવી છે કે વિપક્ષ ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ સાથે સંસદને વિક્ષેપિત કરવાનું ચાલુ રાખશે.
સ્મોક એટેકનો રિપોર્ટ 15-20 દિવસમાં આવી જશે : વડાપ્રધાનના આશ્વાસન સામે વિપક્ષો મક્કમ
સરકારે ભારપૂર્વક કહ્યું છે કે, સંસદ સંકુલમાં સુરક્ષા લોકસભા સચિવાલયની જવાબદારી છે અને તે સ્પીકરના નિર્દેશોનું પાલન કરી રહી છે. તેમણે ભૂતકાળમાં આવા અસંખ્ય ઉલ્લંઘનોને પણ ટાંક્યા અને વિપક્ષ પર આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાનો આરોપ પણ મૂક્યો હતો.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શનિવારે તમામ સાંસદોને પત્ર લખીને સંસદને અવિરત રીતે ચલાવવા માટેની અપીલ કરી છે. જેમાં કહ્યું હતું કે સુરક્ષા ભંગની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને પગલાં લેવામાં આવ્યા છે.
બિરલાએ ગૃહમાંથી 14 સાંસદોના સસ્પેન્શનને સુરક્ષા ભંગ સાથે જોડીને વિરોધ પક્ષોની પણ નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધારાધોરણો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે સાંસદો ગૃહમાં પ્લેકાર્ડ લઈને આવયા હતા.
જો કે, વિપક્ષી દળો તેમના સ્ટેન્ડ પર મક્કમ હોવાનું કહેવાય છે અને શાહ દ્વારા ગૃહના ફ્લોર પર નિવેદનની માંગ કરાઈ રહી છે. આ ઘટના બની ત્યારથી સંસદની કાર્યવાહી ધોવાઈ ગઈ છે.