10 ટ્રેકટર, પાંચ ટ્રક, એક જેસીબી અને 35 ચક્કરડી સહિતનો મુદામાલ કબ્જે, લાખોની ખનીજ ચોરી પકડાય : 35 શખ્સોની ધરપકડ
પોરબંદર જીલ્લાના કુછડી ગામે દરીયાઈ કાંઠા વિસ્તારમાં 14 સ્થળોએ સરકારી જમીનમાં ગેરકાયદે ખાણોમાં પથ્થર કાઢવામાં આવતા હોવાની મળેલી બાતમીના આધારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનટરીંગ દરોડો પાડી 35 ચક્કરડી, 10 ટ્રેકટર, 5 ટ્રક, 1 જેસીબી મળી લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરી 35 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલ ખનીજ ચોરીનો આંકડો મોટો હોવાનુ આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળેલ છે. આ દરોડાથી સ્થાનીક રાજકારણમાં હડકંપ મચી જવા પામેલ છે.
વધુ વિગત મુજબ પોરબંદર જીલ્લાના દરીયાના કાંઠા વિસ્તારમાં મોટાપાયે સરકારી જમીનમાં મોટપાયે પથ્થરો કાઢી ખનીજ ચોરી થતી હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના એસ.પી.નિર્લિપ્તરાયે આપેલી સુચનાને પગલે સ્ટાફે આજે બપોરે કુછડી ગામે એક સાથે 14 સ્થળોએ દરોડો પાડયો છે. જેમાં મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાનુ બહાર આવ્યુ છે. પોલીસે 10 ટ્રેકટર, પાંચ ટ્રક, એક જેસીબી અને 35 ચક્કરડી સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમ્યાન 35 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાથી રાજકીય વર્તુળમાં સનાટો મચી જવા પામ્યો છે.
ખાણ માફીયા દ્વારા ટી.સી. લગાડી વીજ ચોરી પકડાય: 91 લાખનો દંડ ફટકાયો
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના અધિકારીઓને દ્વારા મળેલી માહિતીના આધારે પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા બળેજ ગામમાં વહેલી સવારે ખાણ વિસ્તારમાં 4 વીજ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલુ મેરામણ કેશવાલાની ખાણમાં વીજ ચેકિંગમાં 11 કેવી લાઈનમાં 100 કેવીનું ખાનગી ટ્રાન્સફોર્મર મૂકી ડાયરેક્ટ લંગરીયું નાખી ગેરકાયદે વીજ વપરાશ કરતા પકડાયેલા હતા.
વીજ ચોરીમા 91 લાખનો દંડ ફટકારવામાં આવેલો છે. પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીજ ચોરી માટે વપરાશમાં લેવાયેલા 100 કેવીનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર અને 105 મીટરનો વીજ વાયર જપ્ત કરવામાં આવેલો છે. તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ સ્થળ પર તેમની ખાતાકીય કાર્યવાહી કરી અને પથ્થર કટીંગ માટે વપરાતી 6 ચકરડી મશીન,2 ટ્રક અને 2 ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવેલા છે.