- રૂ. 25.54 લાખનો મુદામાલ જપ્ત : કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર દેવુ વાળા ફરાર
ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવી શંકાસ્પદ ડીઝલનો 16590 લિટરનો જથ્થો ઝડપી બે શખ્સોની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. એસએમસીના દરોડામાં કુલ રૂ. 25.54 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર સ્ટેટમેન્ટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે ચોટીલા-લીંબડી હાઇવે પર શંકાસ્પદ ડીઝલનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. જે બાતમીની ખરાઈ કર્યા બાદ સ્ટેટ મોનેટરીંગ સેલના પીએસઆઇ જે ડી બારોટની ટીમે ચોટીલા-લીંબડી હાઇવે સ્થિત નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલી ઓરડીમાં દરોડો પાડતા અહીંથી આખેઆખો શંકાસ્પદ ડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો.
એસએમસીના દરોડામાં રૂ.12,11,070ની કિંમતનો 16590 લીટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો, રૂપિયા 12 લાખની કિંમતનો ટ્રક, 7 પ્લાસ્ટિકની સ્ટોરેજ ટેન્ક, ડિસ્પેન્સર મશીન સહિત કુલ રૂ. 25,54,770 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર કાળા કારોબારમાં વિજય દિનેશભાઈ સુરેલા (નોકર) રહે શિવશક્તિ સોસાયટી, ચોટીલા અને ટ્રક ડ્રાયવર દિનેશ ચનાભાઈ પરમાર રહે કોલકી બાયપાસ, મંદીપ મિલ પાસે, ઉપલેટા આમ આ બંનેની અટકાયત કરી ચોટીલા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.
જયારે શંકાસ્પદ ડીઝલનો કાળો કારોબાર ચલાવનાર મુખ્ય સૂત્રધાર દિવ્યરાજ ઉર્ફે દેવું સુરેશભાઈ વાળા રહે જૂની ટોકીઝની બાજુમાં, ચોટીલા અને શંકાસ્પદ ડીઝલનો જથ્થો પૂરો પાડનાર એમ બે શખ્સોને ફરાર જાહેર કર્યા છે.
ડીઝલનો જથ્થો મોકલનાર કોણ?
એસએમસીના દરોડામાં હાલ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. કાળો કારોબાર ચલાવનાર મુખ્ય સૂત્રધાર દિવ્યરાજ ઉર્ફે દેવુંને પણ હાલ ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે શંકાસ્પદ ડીઝલનો જથ્થો કોણ પૂરું પાડી રહ્યું હતું. હાલ એસએમસી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અજાણ્યા ઈસમના નામનો ઉલ્લેખ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.