- ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ મારફતે લુક આઉટ સર્ક્યુલર ઇસ્યુ કરાવી ભગીરથ હુંબલને ઝડપી લેવાયો
મોરબીના કંડલા બંદરથી રાજસ્થાન જતા ટ્રકમાંથી પેટકોક અને કોલસો ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 12 ઇસમોને અગાઉ એસએમસીએ ઝડપી પાડ્યા હતા. આ સાથે 1584 ટન પેટકોક, 500 ટન કોલસા ઉપરાંત છ વાહનો અને 17 મોબાઈલ સહીત 3.57 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે અન્ય આઠ ઇસમોના નામો ખુલતા એસએમસીએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન કોલસા ચોરીનો મુખ્ય આરોપી ભગીરથ હુંબલની ઈમિગ્રેશનની માહિતી મેળવી યુગાંડાથી ડિપોર્ટ કરાવી અમદાવાદ એરપોર્ટ ખાતેથી એસએમસીએ ધરપકડ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત તા.7/12/2024ના રોજ મોટા કોલસા ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક પેટ્રોલ પંપ ખાતે રેડ કરી હતી. જ્યાં કંડલા બંદરથી ટ્રકમાં રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટકોક અને કોલસાની ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી 1584 ટન પેટકોક જેની કિંમત રૂ.2 કરોડથી વધુ થાય છે, કોલસો 500 ટન કિંમત રૂ.4.80 લાખ તથા રોકડ રૂ.2.41 લાખ અને રૂ 3.50 લાખની કિંમતના 17 મોબાઈલ, બે ટ્રેલર, 2 લોડર મશીન, 4 કાર સહિત કુલ રૂ.3.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એસએમસી ટીમે સ્થળ પરથી આરોપી ભાવેશ શેરશીયા, જયદેવ ડાંગર, મયુરરાજસિંહ જાડેજા, સારંગ ગાંભવી, ભીખુભાઈ ઠક્કર, જયદીપગીરી ગૌસ્વામી, ગુડ્ડુકુમાર યાદવ, રાહુલ યાદવ, સંજુ નીનામા, વિપુલ પરમાર, દીપક આહીર અને કિશોર એમ 12 આરોપીને ઝડપી લીધા હતા. જયારે આઠ આરોપીઓના નામો ખુલ્યા હતા. જેમાં મુખ્ય આરોપી ભગીરથ હુંબલ, ચિરાગ દુદાણી, કુલદીપસિંહ ઝાલા, દિલીપ, વિવાન પટેલ, નિકુંજ પટેલ, ગુપ્તજી અને રોકી એમ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
કોલસા ચોરીની ગેર કાયદેસર પ્રવૃત્તિ કરનાર મુખ્ય વોન્ટેડ આરોપી ભગીરથ ચંદુલાલ હુંબલ (રહે શિવમ પાર્ક સોસાયટી મોરબી)નો ભારતીય પાસપોર્ટના આધારે યુગાન્ડા ભાગી ગયેલ હોવાની મળેલ માહિતી આધારે ગ્રહ વિભાગના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ મારફત લુકઆઉટ સર્ક્યુલર ઈસ્યુ કરવામાં આવેલ હતી. જેના આધારે યુગાન્ડાથી વાયા યુએઈ થઈ અમદાવાદ એરપોર્ટ ખાતે આજે ભગીરથને રિપોર્ટ કરવામાં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ભગીરથ હુંબલની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, એસએમસીએ હાલ સુધીમાં આ ગુનામાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરી છે.