- બૂથ પર મોબાઇલ લઇ જવાની મંજૂરી ન હોવાના કારણે અનેક મતદારોને થયા ધરમના ધક્કા
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાન કરવા માટે વોટીંગ કાર્ડ ઉપરાંત અન્ય 12 ડોક્યુમેન્ટને માન્યતા આપી છે. જો કે, બૂથ પર મોબાઇલ લઇ જવાની મંજૂરી ન હોવાના કારણે આજે ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા અનેક સ્માર્ટ મતદારો વોટીંગ કરવા ગયા ત્યારે પરેશાન થયા હતા. કેટલાકે ડોક્યુમેન્ટ પ્રિન્ટ કઢાવવા માટે બહાર જવું પડ્યું હતું તો અનેક લોકોએ ડોક્યુમેન્ટ લેવા માટે ઘર સુધી ધક્કો પણ ખાવો પડ્યો હતો.
શહેરના વોર્ડ નં.14માં કસ્તૂરબા વિદ્યાલય ખાતે આવેલા બૂથ નંબર-102 માં કેટલાક મતદારો પ્રૂફ વિના મતદાન માટે પહોંચ્યા હતા. તેઓની પાસે પ્રૂફની હાર્ડ કોપી ન હતી પરંતુ મોબાઇલમાં સરકાર માન્ય એપ્લિકેશન ડીજી લોકરમાં તમામ પ્રૂફ ઉપલબ્ધ હતા. પરંતુ ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ મતદાનની ગુપ્તતા જળવાઇ રહે તે માટે મતદારોને પોલીંગ સ્ટેશન સુધી મોબાઇલ લઇ જવાની પરવાનગી આપવામાં આવતી ન હતી. જેના કારણે આવા મતદારોના મોબાઇલ સુરક્ષા કર્મચારીઓ બહાર જ રખાવી દીધા હતા. તેઓની પાસે કોઇ જ અન્ય દસ્તાવેજ ઉપલબ્ધ ન હતા. આ અંગે ફરિયાદ મળતા પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ ઝોનલ અધિકારી સમક્ષ સમગ્ર મામલો મૂક્યો હતો. પરંતુ તેઓએ એવી દલીલ કરી હતી કે વેબ કાસ્ટિંગ થતું હોવાના કારણે અમે કોઇપણ મતદારને મોબાઇલ લઇ અંદર જવાની પરવાનગી આપી શકીએ નહિં. ત્યારે પૂર્વ મેયરે એવો પણ વિકલ્પ મૂક્યો હતો કે બૂથ લેવલના કોઇ અધિકારીને બહાર મોકલી ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવા મતદારોને મતદાન કરવા દેવામાં આવે પરંતુ તેઓની આ દલીલને પણ માન્ય રાખવામાં આવી ન હતી. ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા અનેક મતદારો આજે હેરાન-પરેશાન થઇ ગયા હતા.
એક તરફ ઓનલાઇન વોટીંગની માંગ ઉઠી રહી છે તો બીજી તરફ જડ નિયમોના કારણે સરકાર માન્ય ડીજી લોકર એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારોને મતદાન કરવા માટે અનેક હાલાકી વેઠવી પડી હતી. સૌથી મોટી મુસિબત તો ત્યારે ઉભી થઇ હતી જ્યારે ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા વ્યક્તિઓને પ્રિન્ટ કાઢી આવવાનું કહેવામાં આવ્યું. આજે મતદાન મથકના અમૂક વિસ્તારોમાં ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાના આદેશ હોય ઘણી હાલાકી વેઠવી પડી હતી.