રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર દ્વારા સ્વખર્ચ શાળાઓને સ્માર્ટ ટીવી આપવાની કરાઇ જાહેરાત
અબતક-રાજકોટ
ગઇકાલથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટ જિલ્લામાં 100થી વધારે છાત્રોની સંખ્યા ધરાવતી ત્રણ સરકારી શાળાઓ જે 100 ટકા વેક્સિનેશનની કામગીરી કરશે તેને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર દ્વારા સ્વખર્ચ સ્માર્ટ ટીવી આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે વધુમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશમાં 15 થી 18 વર્ષની વયના તરૂણ બાળકોને કોરોના સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવાના અભિયાન શુભારંભ થયો છે.
કોરોના સામે રક્ષણ આપતી રસી લેવી અને અન્યોને પણ રસી અપાવીએ એ પ્રત્યેક નાગરિકને મૂળભૂત ફરજ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં 15 થી 18 વર્ષની વય જૂથના બાળકોને વિનામૂલ્યે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આપવાના અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. આ નિશુલ્ક વેક્સિનેશન અભિયાનને પ્રોત્સાહન મળે તેવા શુભ આશયથી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે રાજકોટ જિલ્લાના તમામ ગામો માટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના ગામોમાં 100 થી વધારે સંખ્યા ધરાવતી સરકારી સ્કૂલોમાં સો ટકા વેક્સિનમાં જે પ્રથમ ત્રણ સ્કૂલ આવશે તે ત્રણ સ્કૂલને ભુપતભાઈ બોદર તરફથી સ્વખર્ચે સ્માર્ટ ટીવી આપવામાં આવશે.વયસ્કો અને તરૂણો વેક્સિનેશન પ્રત્યે જાગૃતતા દાખવી કોરોના સામે રક્ષણ આપતી રસીના બન્ને ડોઝ લે અને અન્યોને પણ રસી લેવા માટે પ્રેરિત કરે તે માટે પ્રોત્સાહક પગલાના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ગામોમાં સૌથી વધુ લોકોને વેક્સિનેશન કરનાર પ્રથમ ત્રણ સ્કૂલોને સ્માર્ટ ટીવી આપવાથી બાળકોના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થવાની સાથોસાથ ગ્રામજનોમાં રસીકરણ અંગે જાગૃતતા આવશે અને પોતે તથા પોતાના બાળકોને રસી અપાવશે.