રાહદારીઓ માટે ખાસ સુવિધા: એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરીડોરની પણ વ્યવસ્થા: ટ્રાફિક આધારીત સિગ્નલના ટાઈમીંગમાં ફેરફાર થશે
શહેરમાં માથાના દુ:ખાવાપ બનેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત ૧૦૦ કરોડના ખર્ચે શહેરમાં ટ્રાફિકથી ધમધમતા ૩૦ સર્કલો ખાતે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ મુકવામાં આવશે જેમાં રાહદારીઓ માટે ખાસ સુવિધા જયારે એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરીડોરની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં અલગ-અલગ રાજમાર્ગો પર ટ્રાફિક સિગ્નલ ખાતે એક વાહન કેટલીવાર ટ્રાફિકના કારણે રોકાવું પડે છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ ટાઈમીંગ ત્રિકોણબાગ ખાતે ૭૦ સેકન્ડ જેટલો લાગે છે. શહેરમાં ૩૦ સર્કલો ખાતે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ ઉભી કરવામાં આવશે જે અતિઆધુનિક હશે.
જેમાં ટ્રાફિકના આધારે સિગ્નલના ખુલ્લા અને બંધ થવાના ટાઈમીંગમાં ફેરફાર થશે. કેકેવી ચોક, રૈયા ચોકડી, નાનામવા સર્કલ, ભારતીબંગલા ચોક, ત્રિકોણબાગ, જામટાવર અને હોસ્પિટલ ચોક સહિતના ૩૦ સર્કલોનો સમાવેશ કરવામાં આવ્યો છે જયાં એડોપટીવ સિસ્ટમ મુકવામાં આવશે જેમાં ટ્રાફિક સિગ્નલ ખુલ્લુ રહેવાના મહતમ ટાઈમીંગ ૧૬૦ સેકન્ડસુધી રાખવામાં આવશે. એમ્બ્યુલન્સને માટે ગ્રીન કોરીડોર ઉભો કરવામાં આવશે. જયારે રાહદારીઓ માટે ઝીબ્રા ક્રોસીંગ નજીક એક પુસ બટન રાખવામાં આવશે. જે પ્રેસ કરતાની સાથે વાહન ચાલકોએ રાહદારીઓ માટે થોભી જવું પડશે.
રૂ.૧૦૦ કરોડના ખર્ચે ઉભી કરનારી આ સિસ્ટમમાં ઝીબ્રા ક્રોસીંગ, જીઆઈએસ જેનાથી અંડરગ્રાઉન્ડ યુટીલીટીનો સર્વે કરાશે, ઈઆરપી, સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશન જેવી સુવિધાઓ હશે આ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. આગામી ૬ માસમાં શહેરમાં સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ કાર્યરત થઈ જાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે.