શહેરમાં જવેલર્સની દુકાનોને ટાર્ગેટ બનાવીને ચોરી કરવાનો પ્લાન ઘડતા નેપાળી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં શહેરની જવેલર્સ શોપમાંથી લૂંટ ચલાવે તે પહેલા જ રાજકોટ રેલવે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ નેપાળી ગેંગ દ્વારા ગુગલમાંથી શહેરની અનેક જવેલર્સની દુકાનોની માહિતી મેળવીને તેનું લીસ્ટ બનાવી હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ વિકાસ જવેલર્સ નામની દુકાનમાં હાથફેંરો કરવાના હતા તે પહેલા જ ચોરીના સાધનો સાથે પોલીસે દબોચી લીધા હતા. દિલ્હીથી મુંબઈ આવ્યા બાદ ત્યાંથી ચોરીના સાધનોની ખરીદી કરીને સૌરાષ્ટ્ર મેઈલમાં 3 શખ્સો રાજકોટ આવ્યા હતા. જેમાંથી રાજકોટ રેલવે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને ગેંગના બે શખ્સો ફરાર થઈ ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મુંબઇ તરફથી આવતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં આંતરરાજ્ય ટોળકી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે રાજકોટ રેલવે સ્ટેશન પર ઉતરી ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપવા માટે આવતા હોવાની ચોક્કસ બાતમી મળતા રેલવે ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીએસઆઈ એચ.એસ.ઝાલા સહિતનો સ્ટાફ રેલવે પ્લેટફોર્મ ઉપર વોચમાં હતો. ત્યારે ટ્રેનમાંથી એક શખ્સ ચોરી કરવા માટેના સાધનો સાથે મળી આવતા તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઉપેન્દ્ર તેફ નેપાળી આપ્યું હતું.પોલીસે ઉપેન્દ્રની પૂછપરછ કરતા ચાર દિવસ પહેલા મુખ્ય સૂત્રધાર મૂળ નેપાળ હાલ રાજકોટમાં રહેતો ચંદને મોબાઇલમાં મેસેજ કરી પોતાને અને સાગરીત કેસર તથા પ્રકાશને રાજકોટ બોલાવ્યા હતા. બાદ પોતે ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે કેસર અને પ્રકાશ ત્રણેય નેપાળથી દિલ્હી બાદ ત્યાંથી મુંબઇ આવ્યા હતા અને ત્યાંથી સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેન મારફતે રાજકોટ આવ્યા હતા. જ્યારે સાગરીત કેસર અને પ્રકાશ નાસી ગયા હતા. પોલીસે ઉપેન્દ્ર પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનોમાં ગણેશીયો, બે ડીસમીસ તથા મોટું પાનું કબ્જે કર્યા હતા.
મુખ્ય શખ્સ ચંદને રાજકોટમાં દિવાળી પહેલા અલગ અલગ નામાંકીત જ્વેલર્સમાં ત્રાટકી એક કરોડની ચોરી કરવાનો પ્લાન હતો. ચંદન આઠેક વર્ષથી રાજકોટમાં રહી હોટલમાં નોકરી કરતો હોય જુદા-જુદા વિસ્તારનો જાણકાર હતો. પકડાયેલા ઉપેન્દ્રએ ગુગલમાં સર્ચ કરી રાજકોટની અલગ અલગ જ્વેલર્સના નામ-સરનામા મેળવી લીધા હતા. જેમાં વિકાસ જ્વેલર્સનું પણ સરનામું મેળવી તેમાં ચાર કલાકમાં ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે ઉપેન્દ્રની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અને મુખ્ય સુત્રધાર ચંદન, નેપાળના કેસર અને પ્રકાશ ફરાર થઇ જતા તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્ય. છે. તેમજ પકડાયેલા ઉપેન્દ્ર અને તેના સાગરીતોની કોલ ડિટેઇલ કઢાવવાની તજવીજ હાથ ધરી છે.