ડીજીટલ ઈન્ડીયાનું ‘ગાડુ’ દોડશે?
શહેરી વિસ્તારના ૨૩ ટકા જયારે ગ્રામ્ય વિસ્તારના માત્ર ૪ ટકા લોકોને કોમ્પ્યુટરનું જ્ઞાન, નેશનલ સ્ટેટીકસ કચેરીનો રસપ્રદ સર્વે
કેન્દ્રની મોદી સરકાર દ્વારા ‘ડીજીટલ ઈન્ડીયા’ની મહત્વકાંક્ષી યોજના હાથ ધરી છે. જે મુજબ તમામ સરકારી ક્ષેત્રોમાં ડીજીટલ કામગીરી પર જોર મૂકવામાં આવી રહ્યું છે. આ યોજના દેશમાં વધતા સ્માર્ટ ફોનના ઉપયોગને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કરવામા આવી હતી. પરંતુ તાજેતરમાં થયેલા એક સર્વેમાં ખૂલવા પામ્યું છે કે સ્માર્ટ ફોનના સ્માર્ટ લોકો કોમ્પ્યુટરમાં ‘ઢ’છે. શહેરી વિસ્તારનાં ૨૩ ટકા લોકો જયારે ગ્રામ્ય વિસ્તારનાં ૪ ટકા લોકોને જ કોમ્પ્યુટરનું જ્ઞાન આ સર્વેમાં હોવાનું ખૂલવા પામ્યું છે. જેથી મોદી સરકારનું ડીજીટલ ઈન્ડીયાનું ‘ગાડુ’ દોડશે કે કેમ? તે મોટો પ્રશ્ર્નાર્થ ઉભો થવા પામ્યો છે.
નેશનલ સ્ટેટીકલ ઓફીસ દ્વારા જુલાઈ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ વચ્ચે ૮૦૦૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો અને ૬૦૦૦ જેટલા શહેરી વિસ્તારોમાં ૧.૫૨ લાખ વિદ્યાર્થીઓ પર આ સર્વે હાથ ધર્યો હતો. ‘ઘરેલુ’ સામાજીક વપરાશ શિક્ષણ વિષય પર ધરાયેલ આ સર્વેનો ગત અઠવાડીયે જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ ચોકાવનારી વિગતો બહાર આવી છે કે શહેરી વિસ્તારનાં માત્ર ૨૩ ટકા લોકો જયારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ૪ ટકા લોકોને જ કોમ્પ્યુટરનું જ્ઞાન છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ ૧ કી.મી. વિસ્તારમાં હોવાનું ૯૨.૭ ટકા કિસ્સાઓમાં જોવા મળ્યું હતુ જયારે શહેરી વિસ્તારોમાં ૮૩.૨ ટકા કિસ્સાઓમાં જોવા મળ્યું હતુ.
શહેરી વિસ્તારોમાં ૭૦ ટકા કિસ્સાઓમાં માધ્યમિક શાળાઓ જોવા મળી હતી જયારે ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ૩૮ ટકા કિસ્સાઓમાં માધ્યમિક શાળાઓ જોવા મળી હતી. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓની અછતનો મુદો મહત્વનો નથી ઉપરાંત બંને વિસ્તારોમાં આશરે ૧૦૦ ટકા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ શાળામાં હાજરી આપે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિક શાળાની સગવડતાના કારણે શહેરી વિસ્તારોની સરખામણીમાં વિદ્યાર્થીને ઓછુ જ્ઞાન મળવાથી કોમ્પ્યુટરના જ્ઞાન ઓછુ હોવાનું જોવા મળ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ૭ વર્ષ અને તેનાથી વધુ ઉંમરમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૭.૭ ટકા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૩.૫ ટકા અને શહેરી વિસ્તારમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૭.૭ ટકા છે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કોમ્પ્યુટર જ્ઞાનમાં મોટો ફરક હોવા પાછળનું કારણ ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્પ્યુટર ઓછો હોવાનું છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ ટકા લોકો પાસે ઈન્ટરનેટની સવિધા છે. જયારે શહેરી વિસ્તારમાં ૪૨ ટકા લોકો પાસે ઈન્ટરનેટની સુવિધા છે. ગ્રામ્ય વિસ્તારનાં ૧૫ થી ૨૯ વયના માત્ર ૨૪ ટકા લોકો જયારે શહેરી વિસ્તારનાં માત્ર ૫૬ ટકા લોકો જ કોમ્પ્યુટર ચલાવવા માટે સક્ષમ છે.