અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ-2022-23ના આજે જાહેર કરવામાં આવેલા રૂા.2334.94 કરોડના બજેટમાં શહેરમાં અલગ-અલગ 25 લોકેશન પર સ્માર્ટ પાર્કિંગ બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે બે સ્થળે મલ્ટીલેવલ પાર્કિંગની પણ જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી સેલ મારફત સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં કુલ 25 લોકેશન પર 14.68 ખર્ચે સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. આ પ્રકારે તૈયાર થયેલું પાર્કિંગનું ઓપરેશન સંપૂર્ણપર્ણે ઓટોમેટીક હશે. પ્રોજેક્ટ કાર્યરત થતા શહેરીજનોને પોતાની નજીક ઉપલબ્ધ ખાલી પાર્કિંગની માહિતી ઓનલાઇન જ મળી જશે અને પાર્કિંગનું બુકિંગ પણ ઓનલાઇન કરી શકાશે. તેઓએ ઉમેર્યું હતું કે શહેરમાં હાલ અલગ-અલગ 49 રાજમાર્ગો પૈકી 40 માર્ગો પર પે એન્ડ પાર્કની વ્યવસ્થા ચાલુ કરવામાં આવ્યા છે. શહેરમાં કોઇ એક કે બે સ્થળ પર વીઝીબીલીટી ચકાસણી કર્યા બાદ મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.
સિટી બસ અને બીઆરટીએસમાં ડેઇલી અને મન્થલી પાસ
રાજકોટવાસીઓને આંતરિક પરિવહનની સુવિધા પુરી પાડવા માટે હાલ કોર્પોરેશનની રાજકોટ રાજપથ લીમીટેડ કંપની દ્વારા 90 સિટી બસ અને 10 બીઆરટીએસ બસ ચલાવવામાં આવી રહી છે. જેમાં લોકોને રોજબરોજની ટીકીટ ખરીદીની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે ટૂંક સમયમાં સિટી બસ અને બીઆરટીએસમાં ડેઇલી અને મન્થલી પાસની સુવિધા શરૂ કરવામાં આવશે. આ માટે એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે અને લોકોની સુવિધામાં વધારો કરાશે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સોલાર પાવર કાફે
કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવશે જેમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પર્યાવરણ ફેન્ડલી સોલાર પાવર કાફે શરૂ કરવામાં આવશે. જેમાં 100 સોલાર પાવરનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે બજેટમાં 10 લાખની જોગવાઇ કરવામાં આવી છે. મહાપાલિકાની વિવિધ બિલ્ડીંગોમાં કુદરતી રીતે મળતા સૂર્ય પાવરનો ઉપયોગ કરી અંદાજીત 1.2 મેગાવોટ જેટલા સોલાર પ્લાન્ટ લગાવીને વિજળીની બચત કરવામાં આવી રહી છે. ગવરીદળ ખાતે 4 મેગાવોટ ગ્રાઉન્ડ માઉન્ટેન્ડ ઓન ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
ચંદ્રેશનગરમાં નવો હોર્ક્સ ઝોન બનાવાશે
કોર્પોરેશનના દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 100 હોર્ક્સ ઝોન બનાવી લોકોને સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં ફેરિયાઓ પણ કોઇપણ પ્રકારની મુશ્કેલી કે અડચણ વગર ધંધો કરી શકે છે. આગામી વર્ષે ચંદ્રેશનગર ખાતે નવું હોર્ક્સ ઝોન ઉભો કરવામાં આવશે. જેના માટે બજેટમાં રૂા.1 કરોડની જોગવાઇ કરવામાં આવી રહી છે.
રેસકોર્સમાં ફૂટબોલ સ્ટેડિયમમાં પેવેલિયન બનાવાશે
રેસકોર્ષ સ્થિત ફૂટબોલ મેદાનને સ્ટેડિયમનું સ્વરૂપ આપવા માટે બેઠક વ્યવસ્થાનો નિર્માણ કરવામાં આવશે. હાલ સિટીંગ એરેન્જમેન્ટ ન હોવાના કારણે પ્રેક્ષકોએ થોડીક મુશ્કેલી વેઠવી પડે છે. આ સ્ટેડિયમમાં સ્ટેટ અને નેશનલ લેવલની ટૂર્નામેન્ટ આયોજનને પ્રોત્સાહન પુરા પાડવા માટે નવી સિટીંગ વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થશે. આ માટે બજેટમાં 50 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
કોર્પોરેશનના ડોક્યુમેન્ટ માટે ડીજી લોકર સાથે ઇન્ટીગ્રેશન કરાશે
કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારના પેમેન્ટનો સ્વીકાર કરવા માટે હવે એક પ્રકારના ડીજીટલ વોલેટ માટે પ્રીપેડ વોલેટની સુવિધા કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સેવાઓ માટે શહેરીજનો પાસેથી લેવામાં આવતા ડોક્યુમેન્ટ માટે ડીજી લોકર સાથે ઇન્ટીગ્રેશન કરવામાં આવશે. આ સેવાથી લોકોને મહાપાલિકાની સેવા સરળતાથી મળી રહેશે.
સાઇકલ ખરીદનારને સબસિડી મળતી રહેશે
રાજકોટવાસીઓ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને અને પર્યાવરણની પણ રક્ષા થાય તે માટે મહાપાલિકા દ્વારા સાઇકલ ખરીદનાર લોકોને 1,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ સાઇકલ ખરીદનારને 1,000ની સબસિડી મળતી રહેશે. તેવી ઘોષણા કરવામાં આવી છે. આધુનિક સાયક્લોન પ્રોજેક્ટ રેસકોર્ષ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે તથા સિનીયર સિટીઝન લોકો આ સાઇકલનો ઉ5યોગ કરતા થાય તે માટે આસિસ્ટેડ સાઇકલ પબ્લીક બાઇસિકલ સેરીંગ અંતર્ગત ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે. સાઇકલ ફોર ચેન્જ અંતર્ગત કોર્પોરેશનને ઉત્કૃષ્ટ કામગીરી માટે મળેલી એક કરોડની રકમનો ઉપયોગ આ માટે કરવામાં આવશે.
વોર્ડ વાઇઝ રિડિંગરૂમની સુવિધા
કોર્પોરેશન સંચાલિત લાયબ્રેરીમાં રિટીંગરૂમને વાંચકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વ્યવસ્થાને હવે વ્યાપકસ્તર સુધી લઇ જવા માટે વોર્ડ વાઇઝ રિટીંગરૂમની સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા છાત્રોને ખાસ પ્રકારની તાલીમ પણ આપવામાં આવશે. આ માટે બજેટમાં રૂા.90 લાખની જોગવાઇ કરવામાં આવી છે. લાયબે્રરીમાં વિઝ્યુઅલ, ઓડીયો, લેક્ચર દ્વારા વિદ્યાર્થીઓને ફ્રીમાં માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવશે.
પ્રદ્યુમન પાર્કમાં પ્રાણીઓ માટે આઇસોલેશન વોર્ડ
પ્રદ્યુમન પાર્ક-ઝૂ ખાતે દર વર્ષે દેશના અન્ય ઝૂ પાસેથી વન્યપ્રાણી વિનીમય યોજના અંતર્ગત પ્રાણીઓ અને પક્ષીઓ લાવવામાં આવતા હોય છે. ઝૂ ખાતે આવતા નવા પ્રાણી-પક્ષીઓને શરૂઆતના બે અઠવાડીયા સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવતા હોય છે. હવે પ્રદ્યુમન પાર્કમાં પ્રાણીઓ માટે નવો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવશે. તથા બ્લેક શ્ર્વાન અને ક્રાઉન પીજીયાનના પાંજરાનું બાંધકામ પણ કરવામાં આવશે.