- સ્માર્ટ મીટર લગાડીને ઉર્જા બચતમાં ભાગીદાર બનીએ
- ખેડા જિલ્લામાં લાગશે ૫.૨૮ લાખ સ્માર્ટ મીટર
આજના આધુનિક યુગનો માનવી સ્માર્ટ બની રહ્યો છે. આપણે રોજિંદા ઉપયોગમાં આવતા મોબાઈલ સહિતના તમામ ઉપકરણો હવે સ્માર્ટ બની ગયા છે. તો વીજ મીટર સ્માર્ટ કેમ ના બની શકે ? સરકાર આ વીજ મીટરોને સ્માર્ટ બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. દેશના વીજ માળખાને બદલવા અને ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સરકાર દ્વારા સ્માર્ટ મીટરનો નવતર અભિગમ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ૨૫૦ મિલિયન પરંપરાગત વીજળી મીટરને સ્માર્ટ મીટર તરીકે બદલવાનો રાષ્ટ્રીય કક્ષાનો ઉદ્દેશ છે.
સ્માર્ટ મીટર એટલે શું ?
સ્માર્ટ મીટર સામાન્ય મીટર જેવું જ છે. માત્ર મીટરમાં કોમ્યુનિકેશન ડિવાઇસ અને રીમોટ ઓપરેશનની સુવિધા તેને સ્માર્ટ બનાવે છે. સામાન્ય મીટર મુજબ જ સ્માર્ટ મીટર વીજ વપરાશ અનુસાર વીજ વપરાશની નોંધણી કરે છે. સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં નોંધાતા વીજ વપરાશના યુનિટ ચાર્જ એક સમાન છે અને સ્માર્ટ મીટરના બિલની ચુકવણી હાલની પદ્ધતિ મુજબ જ ઓનલાઇન અને ઓફલાઈનના વિવિધ વિકલ્પોથી થઈ શકે છે.
સ્માર્ટ મીટરના ફાયદા શું છે ?
સ્માર્ટ મીટરથી વીજ વપરાશનો રીયલ ટાઇમ ટ્રેકિંગ તથા દૈનિક વીજ વપરાશનું સરળતાથી નિરીક્ષણ કરી શકાય છે.
મોબાઇલ એપના માધ્યમથી દર 30 મિનિટના વીજ વપરાશને જોઈ શકાય છે.
સ્માર્ટ મીટરથી પાછલા વીજ વપરાશના વિશ્લેષણ અને પૂર્વાનુમાનથી વીજ વપરાશનું નિરીક્ષણ કરી શકાય છે.
સ્માર્ટ મીટરમાં ઓટોમેટીક રીડિંગથી માનવીય બિલ નોંધણીમાં થતી ભૂલથી છુટકારો મેળવી શકાય છે .
સ્માર્ટ મીટર લગાવવા શું કરીશું ?
આપ જો આપના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવા માંગતા હોય તો MGVCLની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી શકો છો.
તદુપરાંત સ્માર્ટ મીટરમાં થતા વીજ વપરાશની નોંધણી બરાબર થાય છે કે નહીં તે જોવા માટે આપણે આપણા વીજ પ્રસ્થાપન પર ચેક મીટર પણ લગાવી શકીએ છીએ. ચેક મીટરમાં નોંધાયેલા યુનિટ અને સ્માર્ટ મીટરના માં નોંધાયેલા યુનિટની સરખામણી આપણે જાતે પણ કરી શકીશું. અને ખાતરી કરી શકાશે કે સ્માર્ટ મીટરમાં નોંધાયેલ વીજ વપરાશ આપણા સામાન્ય મીટરના વીજ વપરાશ જેટલો જ થાય છે.
સ્માર્ટ મીટરનો લક્ષ્યાંક
ખેડા જિલ્લામાં ૫.૨૮ લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે. તેની સામે અત્યાર સુધીમાં ૨૧૦૦૦ થી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. તેમજ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે.
ભવિષ્યમાં દરેક સ્માર્ટ મીટરના ગ્રાહક ઉર્જા કાર્યક્ષમતા તેમજ ગ્રીન એનર્જીમાં પણ ભાગીદાર બની શકે છે કારણ કે સ્માર્ટ મીટર ગ્રાહક રિયલ ટાઈમમાં તેના ઉર્જા વપરાશનું નિરીક્ષણ કરી શકે છે. તેમના વપરાશને સમયોજિત કરવા પૈસા અને સંસાધનો બચાવવા માટે પણ પ્રયત્ન કરી શકે છે. ગ્રીન એનર્જીમાં પણ સ્માર્ટ મીટર સ્માર્ટ એનર્જી સિસ્ટમને પ્રોત્સાહન આપે છે જે અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા અને ભારતના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરે છે.