વરસાદે શહેરનાં મુખ્ય રાજમાર્ગોની હાલત ગામડાથી પણ બદતર કરી નાખી: ખાડામાં પેવિંગ બ્લોકનાં થીગડાથી વાહનચાલકોની કમરનું કચુંબર
ભારે વરસાદે સ્માર્ટ સિટી રાજકોટને જાણે ખાડાનગર બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકા દ્વારા ડામર કામ માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. ગેરેન્ટીવાળા રોડ પણ ગાડામાર્ગ જેવા થઈ ગયા છે. મુખ્ય રાજમાર્ગોની હાલત ગામડાથી પણ બદતર થઈ ગઈ છે. ખાડાઓ ઢાંકવા મોરમનાં બદલે પેવિંગ બ્લોક ફીટ કરવામાં આવ્યા છે જે વાહન ચાલકોને કમરનાં દુખાવાની ભેટ આપી રહ્યા છે. દર વર્ષે ડામર કામમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી શહેરમાં ગેરેન્ટીવાળા રોડ બનાવવામાં આવે છે પરંતુ આ વર્ષે આ ગેરેન્ટીવાળા રોડનું પણ વરસાદમાં ધોવાણ થઈ ગયું છે. યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, કાલાવડ રોડ, પંચનાથ પ્લોટ, યુનિવર્સિટી રોડ સહિતનાં રાજમાર્ગો પર અડધો-અડધો ફુટનાં વિશાળ ખાડા પડી ગયા છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આ વર્ષે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ખાડા બુરવા મોરમ કે મેટલીંગ કરવામાં નહીં આવે. પેવર કરવામાં આવશે તથા પેવીંગ બ્લોકનાં થીગડા મરાશે. શહેરનાં અલગ-અલગ રાજમાર્ગો પર ખાડાઓનાં પેવિંગ બ્લોક લગાડવામાં આવ્યા હોય જે રોડ લેવલથી ખુબ જ ઉંચા હોવાનાં કારણે વાહન ચાલકોની કમરનું કચુંબર નિકળી રહ્યું છે. મોટાભાગનાં મુખ્ય માર્ગો ઉપરાંત શેરી-ગલીઓનાં રોડ પર પણ મસમોટા ખાડા હોવાનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એક તરફ રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ચોમાસાની સીઝનમાં ભારે વરસાદમાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયા બાદ આખું રાજકોટ ખાડાનગર બની જતું હોવાનો પ્રશ્ર્ન જાણે પરંપરા થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
ડામર પેવર માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ એક જ વરસાદમાં કરોડોનો ખર્ચ પાણી સાથે વહી જતો હોય તેવું લાગે છે. ગેરેન્ટીવાળા રાજમાર્ગો પણ વરસાદમાં ધોવાય ગયા છે. તંત્રને કોઈ ફિકર ન હોય તેમ વરસાદે વિરામ લીધાનાં ૧૦ દિવસ બાદ પણ મુખ્ય રોડ પરનાં ખાડાઓ બુરવાની તસ્દી લેવામાં આવી નથી. શેરી-ગલીઓની હાલત તો ખુબ જ દયનીય છે. તંત્ર કાગળ પર એવો દાવો ચોકકસ કરે છે કે, ખાડાઓ બુરવા માટે વરસાદે વિરામ લીધા બાદ યુદ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. હાલ શહેરનો એક પણ વિસ્તાર એવો નથી બચ્યો કે જયાં મસમોટા ખાડા ન હોય. ગેરેન્ટીવાળા રોડની હાલત પણ મગરનાં પીઠ જેવી થઈ ગઈ છે. વાહન ચાલકોએ રાજમાર્ગો પરથી જયારે પસાર થાય ત્યારે ૭ કોઠા વિંધીને પસાર થવું પડતું હોય તેવો અનુભવ કરી રહ્યા છે.