૧૭૪૪૮૭ ફરિયાદોમાંથી ૧૫૨૫૫૦ ફરિયાદોનો જ નિકાલ: મહાપાલિકાના કર્મચારીઓ સામે સિટીઝન ચાર્ટર હેઠળ પગલા લઈ શકાય કે કેમ ? મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને વિપક્ષી નેતા વશરામ સાગઠીયાનો વેધક સવાલ
એક તરફ રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી બનવાના સપના જોઈ ર્હયું છે તો બીજી તરફ તંત્રના અંધેર વહીવટના પાપે છેલ્લા એક વર્ષમાં મહાપાલિકાના કોલ સેન્ટરમાં રસ્તા, પાણી, લાઈટ, ગટર સહિતની ૧૭૪૪૮૭ ફરિયાદો નોંધાઈ હોવાનો પર્દાફાશ થયો છે. જે પૈકી માત્ર ૧૫૨૫૫૦ ફરિયાદોનો જ નિકાલ કરવામાં આવ્યો છે. ૩૩૯૭ ફરિયાદોનો નિકાલ કરવાના બદલે તંત્રએ એવો જવાબ આપ્યો છે કે, ફરિયાદોનો વિસ્તાર કોર્પોરેશનના જયુડીડિકશનમાં આવતો નથી. કોર્પોરેશનના અધિકારીઓ સામે સિટીઝન ચાર્ટર હેઠળ પગલા લઈ શકાય કે કેમ ? તે અંગે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ વેધક સવાલ કર્યો છે.
વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, તા.૧-૧-૧૭ થી ૩૧-૧૨-૧૭ સુધીમાં મહાપાલિકાના કોલ સેન્ટરમાં ૧૭૪૪૮૭ ફરિયાદો નોંધાઈ છે. તે પૈકી ૧૫૨૫૫૦ ફરિયાદોનો જ નિકાલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ખુદ રાજકોટના રહેવાસી હોવા છતાં શહેરમાં પાણીને લગતી ૧૯૬૬૦ ફરિયાદો નોંધાઈ છે. આ ઉપરાંત કુતરા કરડયાની ૧૭૭, એનીમલ ન્યુસન્સની ૯૭૭, મહાપાલિકાનો સ્ટાફ ચેક કલેકશન માટે ઘરે ન આવતો હોવાની ૮, સિટી બસને લગતી ૧૫૯૮, બાંધકામને લગતી ૪૪૨૫,ક્ધઝર્વન્સી ડિપાર્ટમેન્ટની ૩૪૨૩, ડ્રેનેજ ઉભરાતી હોવાની ૫૬૮૭૫, ડ્રેનેજ લાઈન મેઈનટેઈન ન થતી હોવાની ૯૪૪૫, ઈવેસ્ટ અંગે ૧૪૫, દબાણની ૧૧૬૫, ફાયર બ્રિગેડની લગતી ૩૯૯, ફૂડ અંગેની ૧૫૭, બાગ-બગીચા અંગેની ૯૩૭, ડંકી અંગેની ૫૧૪, આરોગ્ય વિભાગને લગતી ૧૬૩, જેએનએનયુઆરએમની ૩૦, સ્ટ્રીટ લાઈટની ૫૩૯૦૮ અન્ય ડિપાર્ટમેન્ટની ૭૩, પે એન્ડ પાર્કને લતી ૧૧૭, સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની ૧૭૩૫૧, વોકળાની ૫૧૨, ટીપીની ૮૧૩, ટેકસ ડિપાર્ટમેન્ટની ૨૫૨, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગની ૧૫૬, મેલેરીયા વિભાગની ૧૮૩૯, ઝુ ડિપાર્ટમેન્ટની ૧૨ અને પાણી અંગેની ૧૯૧૫૬ ફરિયાદ નોંધાઈ છે. કુલ કોલ સેન્ટરમાં છેલ્લા ૧ વર્ષમાં ૧૭૪૪૮૭ ફરિયાદો નોંધાઈ છે. જે પૈકી ૯૧૯ ફરિયાદો આજની તારીખ પેન્ડીંગ છે અને ૧૫૨૫૫૦ ફરિયાદ હલ કરી દેવામાં આવી છે. ૩૩૯૭ ફરિયાદોમાં મહાપાલિકા તંત્ર દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે, આ વિસ્તાર મહાપાલિકાની હદમાં આવતો નથી. જેમાં મોટાભાગની ડ્રેનેજની લગતી ફરિયાદો છે. સામાન્ય રીતે મહાપાલિકા વિસ્તારમાં જ ડ્રેનેજની સગવડતા છે અન્ય કયાંય ડ્રેનેજની સગવડતા હજુ ઉભી થઈ નથી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકાના શાસકો અને અધિકારીઓ સ્માર્ટ સિટીના નામે બણગા ફુકે છે પરંતુ શહેરનું વાસ્તવિક ચિત્ર અલગ જ છે. મહાપાલિકામાં સીટીઝન ચાર્ટરના કાયદાની અમલવારી થઈ રહી છે ત્યારે સમયસર ફરિયાદોનો નિકાલ નહીં કરનાર સામે આ કાયદા હેઠળ પગલા લઈ શકાય કે કેમ તે અંગે પણ મ્યુનિ.કમિશનરને પુછાણ કરવામાં આવ્યું છે.