તુ ચીજ બડી હૈ મસ્ત..મસ્ત… !!!
બટેટાએ નાનાથી લઈ મોટા દરેકને પસંદ પડે એવી વસ્તુ છે. ઘણીવાર તો બે-ત્રણ શાકમાંથી એક શાક તો ફરજીયાતપણે બટાકાનું નીકળે જ છે. ભારતની વાત કરીએ તો અહીં બાટાકા બધાને પ્રિય છે. બટાકા ગરીબથી લઈ અમીર સૌ કોઈ ખાઈ શકે છે જે તેનું સકારાત્મક પાસું છે.
અત્યારે તો લોકો બટાકાને અલગ-અલગ રીતે ઉપયોગમાં લે છે. જેમ કે બટેકામાંથી બનતી વસ્તુઓમાં વડાપાંઉ, ચાટ, કચોરી, ચીપ્સ, પાપડ, ફ્રેન્ચ ફ્રાઈસ, સમોસા વગેરે ખુબ જ લોકપ્રિય બન્યા છે. મોટાભાગના ખાદ્ય ખોરાકના બિઝનેસ પણ બટેકા ઉપર આધાર રાખે છે. બટાકામાં વિટામીન સી, બી કોમ્પ્લેક્ષ તથા આયર્ન, કેલ્શિયમ, મેગેનીઝ, ફોસ્ફરસનું પૂરતું પ્રમાણ મળી રહે છે. આમ બટેટા એ હવે લોકોની જીવન જરૂરીયાત બની ગયું છે. ભારતભરના કેટલાક રાજયોમાં બટાકાનું ઉત્પાદન થાય છે.રાજકોટની બજારમાં બારેમાસ બટેટા વેચાય છે. જેમાં ૧૦ માસ ડિસામાંથી બટેટા આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર સિવાય કયાંય પણ બટેટાનું ઉત્પાદન થતુ નથી. રાજકોટ યાર્ડમાં ડિસા, પંજાબ અને ઉતર પ્રદેશથી બટેટા આવતા હોય છે. હાલમાં રાજકોટ યાર્ડમાં બટેટાનો ભાવ ૨૦૦ રૂપીયાથી ૩૫૦ રૂપીયા જેવો જોવા મળે છે.બટેટાના વેપારી અશોકભાઈ પારેખે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ યાર્ડમાં બારેમાસ બટેટા વેચાય છે. જેમાં ૧૦ માસ ડિસાના જ બટેટા વેચાય છે. આ ઉપરાંત માર્ચ અને એપ્રિલમાં પંજાબ અને યુપીથી બટેટા આવે છે. જયારે બટેટાની સિઝન હોય ત્યારે એકાદ મહિનો વિજાપુરથી બટેટા આવતા હોય છે. યાર્ડમાં રોજથી બટેટાની આવક ૨૦ થી ૨૫ ગાડી જેટલી હોય છે. આ સાથે વધુમાં ઉમેર્યું કે નવા બટેટા એકથી દોઢ મહિના ચાલે છે ત્યારે જેમ-જેમ બટેટા જુના થતા જાય તેમ તેમ તેને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવે છે.હાલમાં રાજકોટમાં બાદશાહ અને પોબરાજ બટેટા ચાલે છે જેનું વધારે પડતું ઉત્પાદન ડિસામાં થાય છે. બાદશાહનો ગુણધર્મ લાંબો ગાળો ટકી રહેવાનું છે. તેથી લોકો બાદશાહ સ્ટોર કરતા હોય છે. રેગ્યુલર જેમને વેચાણ માટે ખરીદવા હોય તે પોખરાજ ખરીદે છે. પોખરાજ બટેટા ૩ થી ૪ દિવસમાં બગડવા લાગે છે. તેથી રેગ્યુલર વપરાશ માટે પોખરાજ યોગ્ય ગણાય છે.
ફુડની કવોલિટી મેઈન્ટેઈન કરવા માટે માઈક્રો ફુડ લેબોરેટરીની સુવિધા: ચંદુભાઈ વિરાણીબાલાજી વેફર્સના ઓનર ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, બટાકા એ એવી વસ્તુ છે જે માણસની શરીરની જરૂરીયાત એ પુરી પાડે છે. બટાકાને અમીર અને ગરીબ પણ ખાઈ શકે છે અને ઈન્ડિયન તેમજ ફોરેનના લોકો પણ ખાઈ શકે છે. રાજકોટની વાત કરીએ તો ગોરધનદાસ અને રસિકદાસ ચેવડાવાળાએ એ સમયે થાલા બનાવીને વેચાણ શરૂ કર્યું હતું. એ સમયથી અમે વિચાર કર્યો કે અમે કંઈક અલગ બનાવીએ. શરૂઆતમાં અમે ઘણી તકલીફો ભોગવી છે. કેમ કે એ ટાઈમમાં લોકો થાલાનો ચેવડો વેફર્સ એટલે કે ખુલ્લામાં થતા વેચાણની વસ્તુની ખરીદી કરતા હતા અને અમે પેકેટ વેચતા હતા.
એનું કારણ એ હતું કે લોકો એવું સમજતા કે ખુલ્લો ખોરાક નજર સામે છે. પેક કરેલું વાસી હોય તો કયારે પેક કર્યું હશે તેવી લોકોની માનસિકતા હતી. અમે સમયની સાથે પરિવર્તન લાવ્યા. સારી કવોલિટીની વસ્તુ આપી, સારી રીતે પેક કર્યું અને સારું એવું માર્કેટીંગ કર્યું એટલે આજે પેક ફુડ ખવાય છે. પેક ફુડની અમે સફર શરૂ કરી હતી તો અમે માનીએ છીએ કે અમે રાજકોટના લોકો માટે પ્રથમ પગલું ભર્યું એ ફાયદારૂપ નીવડયું છે એવું માની શકીએ. અમારી પાસે ૪૪ વર્ષનો અનુભવ છે. જેમાં અમે સારી કવોલિટીનું ફુડ આપીએ છીએ. કવોલિટી જળવાય એનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને અમારી પાસે માઈક્રો ફુડ લેબોરેટરી પણ છે. જેમાં ટેસ્ટીંગ પણ થઈ શકે. બટાકાની વાત કરીએ તો ખાવાના બટાકા અલગ કવોલિટીના હોય છે. ચીપ્સ પોટેટો એકદમ અલગ હોય છે. તેને ૮૦ થી ૯૦% ઓર્ગેનિક ગણી શકાય કેમ કે તેમાં ખાતર તરીકે ગોબર અને છાણ મુત્રનો ઉપયોગ થતો હોય છે.
જેમાં વધારે ફર્ટિલાઈઝર ન આપ્યું હોય વધારે દવા ન હોય એને લીધે કોલ્ડ સ્ટોરેજમાં પણ બટેટાને એ રીતે રાખવું પડે છે. કેમ કે બટાકું એ એક જીવ પ્રમાણે છે આપણે જેમ શ્વાસ લઈએ છીએ અને તેમ હવા જરૂરી છે એમ બટાકાને પણ ૨૪ કલાકમાંથી ૧-૨ કલાક શુદ્ધ હવા મળવી જરૂરી બની જાય છે જેને ધ્યાને લઈને અમે પ્લાન્ટ પણ એ પ્રકારના બનાવેલા છે.
બટાકા એવું નથી એક રાજયમાં પાકે છે. કયાંક અમને ખબર પડે કે ૨-૩ જગ્યાએ બટાકાનો પાક નિષ્ફળ ગયો છે તેની અમને અગાઉ ખબર પડી જાય કે કલાયમેટ સારું નથી. વરસાદ સારો નથી પડયો એવામાં થોડા ઉંચા ભાવમાં અમે સ્ટોર વધારે કરી લઈએ. જેથી એક સરખી કવોલિટી અને એક સરખા રેટ જળવાઈ રહે. આજે અમે જે સ્થાને પહોંચ્યા છીએ એનો અમે સ્વપ્નમાં પણ વિચાર ન તો કર્યો કે સમય આવો પણ આવશે. પણ સમય સાથે જે ચાલી શકશે એ જ આ ઝડપી સમયમાં ટકી રહે છે. અમારે પણ સમય પ્રમાણે પરિવર્તન લાવીને પ્રોડકટની કવોલિટી અને કંઈક નવું આપતું રહેવું પડે છે. અમે સમય પ્રમાણે ચાલવા હંમેશા તત્પર છીએ.
‘બાદશાહ’ નામના બટેટા સૌથી વધુ લાંબા સમય સુધી સારા રહે છે: રસિકભાઈ ચેવડાવાળારસિકભાઈ ચેવડાવાળાના માલિક રાજુભાઈ ચેવડાવાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા પચાસ વર્ષથી શોપ ચલાવે છે. ખાસ તો ચેવડો, વેફર, પેટીશમાં સારું એવું નામ ધરાવે છે ત્યારે આ બધુ બનાવવા માટે જ બટેટા પાયાનો માલ છે.
ત્યારે તેમની પાસે આગામી દિવસોમાં સ્પેશ્યલ વેફર્સ માટેના જે બટેટા માર્ચ મહિનામાં આવે છે તેનો સ્ટોક કરેલ છે. ખાસ તો બટેટાની આઈટમમાં કવોલીટી મેઈનટેન કરવી ખુબ જ જરૂરી છે. તેથી વેફર્સ બનાવવા માટેનો જે અલગ બટેટા આવે છે. જેમ કે બાદશાહ કે જે લાંબા સમય સુધી સ્ટોર થઈ શકે છે. તેમને રોજે ૨ ટન જેટલા બહેનો ઉપયોગમાં લેતા હોય છે તેવો આ બટાકા સ્ટોરેજ પરથી મંગાવી લેતા હોય છે.જુના યાર્ડમાં આવેલ શિવ આલુ ભંડાર પેઢીના માલિક અને બટેટાના વેપારી ધર્મેન્દ્ર પારેખે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા ૨૫ વર્ષથી તેઓ બટેટાના વ્યાપાર સાથે જોડાયેલા છે.ખાસ તો બટેટામાં પણ ઘણા બધા પ્રકાર હોય છે. આ ઉપરાંત નવા બટેટા અને જુના બટેટા વચ્ચે ભેદ હોય છે. નવા બટેટાનો સ્વાદ ગરચદ હોય છે. હાલમાં બટેટાનાં ભાવ ૨૦૦થી લઈને ૩૨૫ સુધીનો છે. ખાસ તો આ વર્ષે ઓછા વરસાદને કારણે બટેટાનું ઉત્પાદન ઓછું છે.