સુરખાબના 40 હજારથી વધુ માળાની વસાહતથી રણમાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા
કચ્છ નાનુ રણ જાણે ફ્લેમીંગો સિટી બની ગયુ હોય તેવું લાગી રહ્યું છે. સુરખાબના 30 હજારથી વધુ બચ્ચાઓની દોડાદોડીથી નયનરમ્ય માહોલ જોવા મળી રહ્યો છે. રણમાં 74 જેટલાં નાનાં-મોટાં બેટ વિદેશી પક્ષીઓને સુરક્ષિત આવાસ પૂરાં પાડે છે. વન વિભાગને સેટેલાઇટ ઇમેજમાં કૂડા-કોપરણી રણમાં નેસ્ટિંગ કર્યાની સેટેલાઇટ ઇમેજ મળી હતી. 5,000 ચો.કિ.મી. રણમાં 2 લાખથી વધુ પક્ષીઓ, સ્ટાફ માત્ર 11નો જ આ પહેલાં ઓગસ્ટ 1998માં આવી જ અનોખી માળા વસાહત મળી આવી હતી.
કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઇનબદ્ધ અનોખી માળા વસાહત જોવા મળતાં અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખી સવિસ્તૃત માહિતી મેળવી હતી. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસું ગાળવા આવે છે. વધુમાં રણમાં અસ્તિત્વ ધરાવતાં 74 જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે.
આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યાં છે. થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટિંગ જોવા મળ્યું હતું, પરંતુ રણમાં ભારે વરસાદને પગલે નેસ્ટિંગ ફેલ થયું હતું. ત્યારે ફરીથી માળા વસાહત જોવા મળતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતો.નોંધનીય છે કે સુરખાબ સમૂહમાં માળા બનાવે છે અને ચારેબાજુ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી 40થી 45 ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડાં મૂકે છે, જેથી સંવનન બાદ બચ્ચાં નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાંને ઊડતા શીખવાડી ચોમાસા બાદ એની સાથે સામૂહિક ઉડાન ભરે છે.
5,000 ચો.કિ.મી. રણમાં 2 લાખથી વધુ પક્ષીઓ, સ્ટાફ માત્ર 11નો જ
5000 ચો.કિ.મી.માં ફેલાયેલા ખારાઘોઢા રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે 2 લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યાં છે. હાલમાં આ 2 લાખથી વધુ પક્ષીઓ સામે અભ્યારણ્ય વિભાગમાં 1 આર.એફ.ઓ., 6 રાઉન્ડ ફોરેસ્ટર, 4 બીટગાર્ડ મળી માત્ર કુલ 11 જણાનો જ સ્ટાફ છે. અભયારણ્યના વિભાગ બજાણા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલ રાઠવા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર વન વિભાગને સેટેલાઇટ ઇમેજમાં કૂડા-કોપરણી રણમાં નેસ્ટિંગ કર્યાની સેટેલાઇટ ઇમેજ મળી હતી, જેને આધારે તપાસ કરતાં સુરખાબની અનોખી માળા વસાહત, ફ્લેમિંગો અને હજારો બચ્ચાં જોવા મળ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આની પહેલાં ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યા પાછળ સુરખાબોએ નેસ્ટિંગ કરવાની શરૂઆત કરી હતી, જે 200-300 જેટલા માળા બનાવ્યા પછી રણમાં મુશળધાર વરસાદ પડતાં એમનું નેસ્ટિંગ નિષ્ફળ ગયું હતું.
હવે થોડા દિવસોમાં પક્ષીઓની વિદાય
હાલમાં આવે શિયાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે વિદેશી પક્ષીઓનો જ્યારે ઉતારો ગણાતું રણ વિસ્તારમાં પક્ષીઓએ માળા બાંધી અને પોતાના બચ્ચાનો પણ ઉછેર કર્યો ત્યારે હવે થોડા સમય પછી જ બચાવો પણ ઉડવા લાગશે અને ફરીવાર પક્ષીઓ ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ વિહાર કરી અને બીજા રાજ્યમાં વિહાર કરી જશે જ્યારે શિયાળાની શરૂઆત થાય છે ત્યારે ચાર માસ સુધી રણમાં રહી અને પોતાનો ચારો અને બચ્ચાનો ઉછેર કેન્દ્ર કરે છે અને માળાઓ પણ બનાવે છે ત્યારે હવે ગણતરીના દિવસોમાં પક્ષીઓ હવે વિદાય ભણી અને અન્ય દેશમાં પ્રયાણ કરી અને ચાલ્યા જશે તેવું પણ હાલમાં ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે.
1998માં પણ આવી જ અનોખી માળા વસાહત મળી આવી હતી
આ પહેલાં નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જલંધર બેટમાં ઓગસ્ટ 1998માં નોંધાઇ હતી. આ વસાહત 250 જેટલા એકરમાં નોંધાઇ હતી. એમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગસ્ટ 1998માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં 25 હજારથી 30 હજાર જેટલા માળા, 30 હજાર જેટલાં પુખ્ત ઉંમરનાં પક્ષીઓ અને 25 હજાર જેટલા બચ્ચાં હતાં.