- ખંભાળીયાથી ઝડપાયેલા બેડીના ચાર શખ્સો પાસેથી 13 બોગસ સર્ટી સાથે ઝડપાયા: બિહારના મુખ્ય સુત્રધારની શોધખોળ
- બોટના એન્જિન ડ્રાઇવરના બોગસ સર્ટી ધાબડી રૂા.22 હજારથી રૂા.80 હજાર સુધીની રકમ પડાવ્યાનું ખુલ્યું
- દેવભૂમિ દ્વારકા એસઓજીને ડ્રગ્સકાંડ બાદ બોગસ સર્ટી કૌભાંડ પકડવામાં મળી સફળતા: ચારેય ભેજાબાજે દ્વારકા, સાયલા, પોરબંદર, જામનગર જાફરાબાદ અને સુરતમાં 28 બોગસ સર્ટી વેચ્યાની આપી કબુલાત
જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકના નોકરી ઇચ્છુકોને બોટ, ટગ અને શીપ ચલાવતા આવડતી ન હોવા છતાં તેઓને એન્જિનીયર અને માસ્ટરના બોગસ સર્ટી દાબડી કરોડોની છેતરપિંડી કૌભાંડનો દેવભૂમિ દ્વારકા પોલીસે પર્દાફાસ કર્યો છે. જામનગર ખાતેના બેડીના ચાર શખ્સોને ખંભાળીયા પાસેથી 13 જેટલા બોગસ સર્ટી સાથે ઝડપી ગાંધીનગર ખાતે જરૂરી ખાતરી કરાવતા બોગસ સર્ટી હોવાનું બહાર આવ્યું છે. ચારેય શખ્સો બિહારના પટણા ખાતેના શખ્સની મદદથી રૂા.22,500 થી 80 હજાર સુધીની રકમ વલુસ કરી જુદા જુદા શહેરોમાં 28 જેટલા બોગસ સર્ટી નોકરી ઇચ્છુકોને ધાબડી છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના જોડીયા ભુંગા બેડી ગામે રહેતા જુમા જુસબ મુડરાઇ નામનો શખ્સ જેઓને બોટ, ટગ, બાર્જ અને શિપ ચલાવતા આવડતી ન હોય તેવી વ્યક્તિઓ પાસેથી મોટી રકમ વસુલ કરી બોગસ સર્ટી ફિકેટ આપવા ખંભાળીયાની રામકૃપા હોટલ પાસે આવ્યાની બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા એસઓજી પી.આઇ. જે.એમ.પટેલ, પી.એસ.આઇ. પી.સી. સિંગરખીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ સહિતના સ્ટાફે બેડીના જુમા જુસબ મુંડરાઇ નામના શખ્સને ઝડપી તેની પાસેથી 13 સર્ટી કબ્જે કર્યા હતા.
જુમા મુંડરાઇ પાસેથી કબ્જે કરાયેલા સર્ટીની ખરા છે કે ખોટા તે અંગે દેવભૂમિ દ્વારકા પોલીસે ગાંધીનગર એફએસએલ સહિતના સ્ટાફની મદદ લીધી હતી. સર્ટી બોગસ હોવાનું બહાર આવતા જુમા મુંડરાઇ સાથે સંડોવાયેલા બેડી ગામના અબ્દુલ આમદ મુંડરાઇ, અસગર કાસમ ચગડા અને અસફર અબ્બાસ સુરાણી નામના શખ્સોની ધરપકડ કરી છે.
પાંચેય શખ્સોની પૂછપરછ દરમિયાન બોટ ચલાવવાની નોકરી માટે સર્ટીફીકેટ જરૂરી હોવાથી નોકરી ઇચ્છુકોને સારો પગાર મળતો હોવાથી તેઓને બિહારના પટણા ખાતેના અમિત નામના શખ્સ પાસેથી બોગસ સર્ટી મેળવી રૂા.22,500થી રૂા.80 હજાર સુધીમાં નોકરી ઇચ્છુકોને ધાબડી દીધાની કબુલાત આપી છે.
પાંચેય શખ્સોએ અત્યાર સુધીમાં જેઓને બોટ, ટગ, શીપ અને બાર્જ ચલાવવાની જરૂરી તાલિમ લીધી ન હોવા છતાં બોગસ સર્ટી બનાવી દેવભૂમિ દ્વારકાના, 3, ઓખામાં 2, સલાયાના 1, પોરબંદરના 6, જાફરાબાદના 4 અને સુરતના 2 શખ્સોને બોગસ સર્ટી ધાબડી તેની પાસેઓથી રૂા.22,500 થી રૂા.80 હજાર જેટલી રકમ વસુલ કરી હોવાનું બહાર આવતા બોગસ સર્ટીફીકેટ બનાવી આપતા બિહારના પટણા ખાતેના અમિત નામના શખ્સની પોલીસે શોધખોળ હાથધરી છે. બોગસ સર્ટીફીકેટ કૌભાંડની તપાસમાં દ્વારકા, ખંભાળીયા, કલ્યાણપુર અને ભાટીયા પોલીસ સ્ટાફ જોડાયો છે.