છોકરીના જાગરણ વ્રતો, રક્ષાબંધન, સાતમ-આઠમ જેવા સળંગ તહેવારો બાદ નવરાત્રી અને દિવાળીને નવલુ વર્ષ ઉજવવા સૌ હરખાવા લાગે છે. તહેવારોનો જલ્વો એટલે આપણું કાઠિયાવાડ
અત્યારે ચાલી રહ્યો એ શ્રાવણ માસ શિવજીની પૂજન અર્ચનનો માસ છે. એકટાણાને ઉપવાસ સાથે શિવાલયોમાં સવાર-સાંજ આરતી સાથે રૂદ્રીના હવનોથી વાતાવરણ પવિત્ર બની જાય છે. આ માસમાં વિવિધ પર્વો સાથે નાના મોટા તહેવારોની વણઝાર સાથે આગામી બે માસ ભાદરવો અને આસો કાઠિયાવાડની સંસ્કૃતિમાં અનેરા મહત્વ વાળા છે. સમગ્ર દેશમાં આટલા તહેવારો ક્રમિક માસે સતત અને સક્રિય રીતે ઉજવતી એક માત્ર પ્રજા ગુજરાતી છે. આપણે તહેવાર પ્રિય, ઉત્સવ િ5્રય, પ્રજા છીએ સાથે આપણે નાની-મોટી ઉજવણી કરવા માટે તહેવારોનું બ્હાનું શોધીને આનંદોત્સવ માણતા હોય છે.
અષાઢ મહિનાની છોકરીઓના મોળાવ્રત, એવશી, જીવરતને જાગરણો સાથે પ્રારંભ થતો તહેવારનો આનંદ સતત ત્રણ મહિના લગલગાટ ક્રમિક ચાલતો કાઠિયાવાડમાં જોવા મળે છે. આ ચાલુ શ્રાવણ માસમાં તો નાની સાતમથી શરૂ કરીને મોટી સાતમ-આઠમને કાનુડાનો જન્મદિવસ સાથે પારણા નોમનું પણ અનેરૂ મહત્વ છે. આ તહેવારોની હાર્મની છેક ગુજરાતી કેલેન્ડરના અંતિમ ગુજરાતી આસો મહિના સુધી અવિરત ચાલે છે, વિશ્ર્વભરમાં કદાચ સતત નવ દિવસ ચાલતો શકિતની આરાધનાનો ‘નવરાત્રી’ તહેવાર આપણે એક માત્ર ઉજવતા હોયશું !
તહેવારો એટલે જ કાઠિયાવાડ અને કાઠિયાવાડ એટલે જ તહેવારો પહેલાની ઉજવણી અને હાલ આ બધા તહેવારોની ઉજવણી ઘણો મોટો ફરક છે. હાલ તહેવારોનું મહત્વ ઓછું થતું જાય છે પણ દિવસ આવતાં જ તેનો રંગ એક દિવસ અવશ્ય બતાવે છે. પહેલા તો તેનો જલ્વો કંઇક ઔર જ જોવા મળતો, ચુલા ઠારવાની પરંપરા સૌને યાદ જ હોય જે આજે યાદ કરાવવી પડે છે. સતત પાંચ દિવસના આયોજનો એડવાન્સમાં જ સૌ કરી લેતા મોટાભાગે સહપરિવારનો આનંદએ તહેવારોમાં જોવા મળતો જે આજે કયાંય દેખાતો નથી. આજના ઉત્સવમાં પરિવારની જગ્યાએ ‘મિત્ર સર્કલ’ ઉમેરાઇ ગયું છે.
પહેલાના ઘણા તહેવારોને વેકેશનમાં મોસાળનું મહત્વ વિશેષ રહેતું હતું. નાના-નાનીનો પ્રેમ કયારેય ભુલાતો નથી. મામાની પાસે તો માંગો એટલે હાજર જ હોય, માસી-માસા તો રમકડાના ઢગલા લઇ આવે, ભાણેજ માટે સ્વર્ગસમું ઘરએટલે ‘મામાનું ઘર’ મોસાળ જ કહેવાય છે.
દુનિયા આખીમાં હું જયાં જાવ ત્યાં પપ્પાના નામથી ઓળખાવ પણ મોસાળના ગામમાં પગ મુકતા બાદ જ સૌ બોલાવે ઓળખે તે મારી માતાનું નામ પ્રથમ લેતા જોવા મળતા, ગ્રામ્ય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણી સાદગી વાળી હતી પણ તેની ભવ્યતા અને દિવ્યતા વધુ હતી. શ્રાવણની સવાર-સાંજની આરતીનો વૈભવ ધરતી પર જ સ્વર્ગ ખડું કરી દેતો હતો. હવા, પાણી ને ખોરાક બધુ જ ચોખ્ખું ચણાક હોવાથી કયારેય માંદા જ ન પડતા એ દિવસો બહુ મીઠડા હતા.
તહેવારોમાં સંસ્કૃતિ સાથે વણાયેલા ઘણા ગુણોનું સિંચન થઇ જતું હતું. આજે હવે તહેવારો નામના જ રહી ગયા છે. છેલ્લા બે વર્ષથી તો કોરોના કાલે આ બધા તહેવારોની મઝા જ બગાડી નાંખી છે. આ વખતે પણ સાતમ-આઠમનો મેળો નથી થવાનો આ મેળો ‘લોકોનો મેળો’ કહેવાતો કારણ કે લોકોનો મેળો હતો, કાઠિયાવાડી સંસ્કૃતિની શાન મેળો હતો. લોકોનો અનેરો આનંદ નવા કપડાંઓ, ફજર ફાળકામાં બેસવાને રમકડાં, ગુલ્ફીની મોજ માણવાની સાથે રાંધણ છઠ્ઠે રાંધેલા ઠંડો ખોરાક ખાવાની મોજ મઝા તો કયારેય ન ભૂલી શકાય, લાસા લાડવાને મીઠી, તીખી, પૂરીના ડબ્બા તો મોજે પડી જતી હતી. અષાઢી આગમનથી આસોના અંત સુધીના વિવિધ તહેવારો દરેક વ્યકિતના જીવનમાં રંગ બહાર લાવીને અનેક ફેરફારો લાવે છે.
શાળામાં લાંબી રજાઓ પડતા જલ્વામાં વધારો થઇ જતો હતો. અગાઉ તો ઘરથી થોડે દુર સવારથી સાંજની પિકનીક મળી જાય એટલે સૌ પરિવારનો જલ્સો કહેવાતો, આપણાં કાઠિયાવાડમાં શિવજીની પૂજા સાથે ગોકુલ આઠમનો ભવ્ય તહેવાર ઉજવાય છે. કાઠિયાવાડના દરેક તહેવારે ઉજવણીમાં માનવ હૈયા ધબકવાની સાથે ચોમેર દિશાએ મહેકવા લાગે છે. રાંધણ છઠ્ઠથી પારણા નોમને 16 શ્રાધ સાથે નવદિવસની રાત્રીને અગિયારથી ભાઇબીજ દિપોત્સવી પર્વ આટલા લાંબા તહેવારો આપણે જ ઉજવીએ છીએ. દરેકનું મહત્વ અલગ અલગ હોવાથી તેમની ઉજવણીમાં ગુજરાતીઓ કયાંક કચાશ રાખતા જ નથી.
જો કે આજની ર1મી સદીમાં હવે માણસ બદલાયો ને યુવા વર્ગનો રંગ પણ બદલાતા તહેવારો ઝાંખા પડયા પણ નવરાત્રીના અને દિવાળીના ફટાકડામાં હજી યુવા હૈયાઓ એ જ જુના જમાનાની રંગત સાથે આજે પણ જોડાય છે. જો કે તેની ઉજવણીમાં આધુનિકનો રંગ જરુરથી લાગ્યો છે. પહેલાના તહેવારો આખી શેરી જોડાતીને આજે એક માત્ર નાનકડો પરિવાર જ જોડાય છે.
પહેલા દરજી ઘેર કપડાં સિવવા આવતો ને આજે રેડીમેઇડ લઇને દશ મિનિટમાં તૈયાર થઇ જાય છે. તહેવારોમાં બદલાવ નથી આવતો પણ માણસે જ તહેવારોની ઉજવણી જ બદલી નાંખી છે. સિમેન્ટના જંગલોમાં થતી ઉજવણી અને ગ્રામ્ય સંસ્કૃતિમાં સમાજનો દરેક વર્ગ જોડાઇને ઉજવાતા તહેવારોમાં ઘણો ફેર છે. તહેવારોને કારણે ભાઇચારો, મદદ, પ્રેમ, હુંફ, લાગણી જેવા ઘણાં ગુણો ખીલી ઉઠયા હતા. એ સમય હતો, આજે પણ સમય છે પણ લોકોના જીવ ટુંકાને સ્વભાવો બદલાતા કેલેન્ડરના પાને તહેવારોની નોંધ રહી ગઇ છે.
પહેલા તો એક દિવસ ફરવા જતાને મહિનાઓ સુધી વાતો ચાલતી હતી ને આજે મહિનાઓ ફરવા જાવને એક દિવસ તો શું એક કલાક પણ વાતો કરતાં નથી. સોશ્યિલ મિડીયામાં ફોટા મુકીને પણ ઉજવણી કરનારા લોકો પણ આજે જોવા મળે છે.
તહેવારો જ જીવનમાં સુખદ પરિવર્તન લાવે
આપણા કાઠિયાવાડના દરેક તહેવારોનું અનેરૂ મહત્વ છે. આપણાં તહેવારો આપણો આત્મા છે તેથી જ આપણે વિશ્ર્વભરમાં ઉત્સવ પ્રિય પ્રજા તરીકે, ગુજરાતી તરીકે ઓળખાય છીએ આપણું જીવન અનેક વિવિધતાથી ભરેલું હોવાથીને દિવસ-રાતની સખત મહેનત બાદ આવતાં તહેવારોમાં માનવીને આરામ સાથે આનંદ-પ્રમોદને પૂર્ણ મનોરંજન મળે છે. આપણાં તહેવારો સામાજીક માન્યતાઓ સાથે ધાર્મિક પરંપરાઓથી જોડાયેલા હોવાથી સંસ્કારીતામાં વધારો કરે છે.
આપણાં તહેવારોમાં બાળથી મોટેરા પુરા આનંદથી જોડાય છે. તહેવારો સાથેનો આપણો સંબંધ સદીઓથી બંધાયેલો છે. તહેવારો માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તતવ સાથે સંજીવની છે. આપણાં બધા તહેવારો પાછળ કોઇ ચોકકસ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું હોય છે. આ તહેવારોને કારણે આપણે સંસ્કૃતિના ઘણા અંગોનું સારી રીતે જાળવણી અને ખીલવણી કરી શકીએ છીએ. ઋતું ફેરફારો થતા વિવિધ તહેવારના આગમન જ માનવ હૈયાને ખીલવી દે છે. તેથી જ તહેવારો આપણાં ભાઇ બંધ છે.