ધુપ-છાંવ જેવું વાતાવરણ: આકાશમાં વાદળોના જમાવડા: થોડી-થોડી વારે સૂર્ય નારાયણના પણ દર્શન

સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં મધરાતથી ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. સવારે 10 વાગ્યા સુધીમાં શહેરમાં પોણો ઈંચ જેવો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ધુપ-છાંવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળોનો જમાવડો જામ્યો છે. આવામાં થોડી-થોડીવારે સૂર્ય નારાયણ દર્શન પર્ણ આપી રહ્યાં છે. ધીમીધારે મેઘરાજા હેત વરસાવતા હોય શહેરીજનોને મજા પડી ગઈ છે.

ગઈકાલે સાંજથી શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મધરાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પણ મેઘરાજાએ શહેરમાં ધીમીધારે હેત વરસાવ્યું હતું. મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના રેકોર્ડ પર શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સવારે 10 વાગ્યા સુધીમાં 16 મીમી (મૌસમનો કુલ 23 મીમી), વેસ્ટ ઝોનમાં 13 મીમી (મૌસમનો કુલ 24 મીમી) અને ઈસ્ટ ઝોનમાં 10 મીમી (મૌસમનો કુલ 14 મીમી) વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ધીમીધારે વરસાદ વચ્ચે કયારેક કયારેક તડકો પણ નીકળે છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. વરસાદના કારણે શહેરીજનોને ગરમીમાં રાહત મળી છે. છેલ્લા ત્રણ મહિનાથી કાળઝાળ ગરમીમાં સેકાઈ રહેલા રાજકોટવાસીઓને આજે વરસાદમાં થોડી ઠંડક મળી છે. સતત વરસાદના ઝાપટા ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.